ડીસા, તા.૧૯
થરામાં એક મહિલાના પુત્રએ પ્રેમલગ્ન કરી સમાજ બહારની કન્યા લાવતાં સમાજના જ ૬૦ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા બે આગેવાનોએ યુવકની માતાને સમગ્ર પરિવારને સમાજ બહાર નહીં મૂકવા અને ૫ લાખ રૂપિયા દંડ નહીં કરવાની લાલચ આપી ફોનમાં વાત કરવા અને સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલા પર દોઢ મહિના સુધી બંને આગેવાનો દ્વારા દુષ્કર્મ આચરાયા બાદ પીડિત મહિલાની ઓડિયો ક્લીપ જાહેર કરવાની ધમકી આપતાં મહિલાએ હિંમત કરી બંને નરાધમ આગેવાનો સામે થરા પોલીસ મથકે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મામલો સામે આવતાં જ સમગ્ર સમાજમાં આગેવાનો સામે ફિટકારની લાગણી જન્મી હતી.થરામાં દોઢ મહિના અગાઉ મોટી ઘરનાળ ગામે રહેતા રણછોડ દાનાભાઈ સુથાર અને ડીસા તાલુકાના લોરવાડા ગામમાં રહેતા બીજોલ રામજીભાઈ સુથાર સમાજના આગેવાન હોવાના નાતે સમાજમાં જ પ્રેમલગ્ન કરનારા એક યુવકના પરિવારને સમાજ બહાર મૂકવા અને રૂા.૫ લાખનો દંડ કરવા ધમકી આપી હતી. જો કે, સમાજના બંને આગેવાનોએ પાંચ લાખ દંડ અને સમાજ બહાર ન જવા સંબંધ રાખવા અને મોબાઇલ પર વાતચીત કરવાની લાલચ આપી હતી. જેથી મહિલાએ પરિવારને સમાજ બહાર મૂકવાના ડરથી લાલચમાં આવીને બંને આગેવાનો સાથે ફોન પર વાત કરી હતી. એક દિવસ મહિલા ઘરે એકલી હતી, ત્યારે બંને આગેવાનો ઘરે આવ્યા હતા અને બંને જણાએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને આ સિલસિલો જારી રાખ્યો હતો.
જો કે, એક દિવસ રણછોડ અને બીજોલે મહિલાની બહેનપણીને પણ આ રીતે તૈયાર કરવા જણાવ્યું હતું અને જો એમ નહીં કરે તો મોબાઈલમાં કરેલી વાતો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી અને પરિવારે હિંમત આપતાં આગેવાનોનો ચહેરો બેનકાબ કરવા મહિલાએ બંને નરાધમો વિરૂદ્ધ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
થરાના પી.એસ.આઈ.એ જણાવ્યું હતું કે, સામૂહિક દુષ્કર્મનો ગુનો દાખલ થયા બાદ ૫૦ વર્ષીય મહિલાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ઘટના વખતે પહેરેલા કપડાં કબજે લેવાયા છે અને નાની ઘરનાળ તેમજ લોરવાડા બંને ગામોમાં આરોપીઓના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ બંને આરોપીઓ ફરાર છે.