(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૯
થાનગઢની પરિણીતા બે સંતાનો સાથે ગુમ થયાને પાંચ વર્ષ વિતી ગયા છતાં પોલીસ કોઈ સગડ મેળવી શકી નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રેલવે ફાટક પાસે રહેતી પરણિતા ફરજાનાબેન બે સંતાનો સાથે ગુમ થયા બાદ પોલીસમાં તેણીના પતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાંં આવેલ અલબત્ત પોલીસ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાના આક્ષેપ પરિણીતાના પતિ ઈરફાનભાઇ કરી રહ્યા છે. થાનગઢ પોલીસમાં પોલીસ સ્ટેશનથી લઇ ડીએસપી સુધી વારંવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી તેમજ તપાસ દરમિયાન ગૂમ પરિણીતાને આ જ વિસ્તારમાં રહેતો ઈશ્વર દલવાડી નામનો શખ્સ સંતાનો સાથે અપહરણ કરી ગયાનું જાણવા મળેલ છે. આ અંગે પોલીસને જાણ હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા પરિણીતાના પતિ દ્વારા આત્મવિલોપન કરી લેવું સારું તેમ જણાવી રહ્યાં છે. છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ ગુમ થવાના કિસ્સામાં ધરખમ વધારો થયેલ છે. છેલ્લા ૨ વર્ષમાં ૧૪,૨૨૯ મહિલાઓ રાજ્યમાંથી ગુમ થઈ હોવાનું નોંધાયું છે .જેમાં ૨૦૧૬ માં ૬૫૮૧ મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે ર૦૧૭માં ૭૬૪૮ મહિલાઓ ગુમ થયેલ છે. આમ અગાઉના વર્ષ કરતા આવી ઘટનાઓ વધી છે. તેમ છતાં કોણ જાણે કેમ ઝાલાવાડનું પોલીસ તંત્ર પાંચ વર્ષથી પત્ની અને બે સંતાનોના વિયોગમાં પરેશાન પુરૂષની લાગણીને નિષ્ઠુર તંત્ર સમજી શકતું નથી. ત્યારે હવે, જ્યારે ઈરફાનભાઈ આત્મવિલોપન જેવું પગલું ભરશે ત્યારે હરકતમાં આવશે ?