(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૯
થાનના રેલવે ફાટક પાસે રહેતા યુવાનની પત્ની અને બે બાળકોને એક શખ્સ છ વર્ષ પહેલા ભગાડીને લઇ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કરવા છતાં છ વર્ષથી તેમનો કોઇ અત્તોપત્તો નથી. આથી બુધવારના રોજ થાનના યુવાને જિલ્લા પોલીસ વડાને લેખીત રજૂઆત કરી અનશન અને આત્મ વિલોપનની ચીમકી આપી છે.
થાનના રેલવે ફાટક વિસ્તારમાં રહેતા ઇરફાન સતારભાઇ ઘાંચી લોડીંગ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. પહેલા તેમના લગ્ન ધ્રાંગધ્રાના ફરઝાનાબેન સાથે થયા હતા. તેમને પરિવારમાં શાહીદ નામનો પુત્ર અને સારા નામની પુત્રી છે. છ વર્ષ પહેલા ફરઝાનાબેન અને બન્ને બાળકોને થાનના ધોળી તલાવડી વિસ્તારમાં રહેતો ઇશ્વર શંકરભાઈ મોરી ભગાડીને લઇ ગયો છે. આ અંગે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા છતાં પત્ની અને બે બાળકોનો કોઇ પત્તો નથી. આથી ઇરફાન સાથે સમાજના આગેવાનોએ જોડાઇને બુધવારે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં લેખીત રજૂઆત કરી હતી. જેમાં આ તપાસ એલસીબી કે એસઓજીને સોંપી ન્યાયની માંગણી કરાઇ છે. આ ઉપરાંત ફરઝાનાબેન અને બે બાળકોને ભગાડવામાં ઇશ્વરભાઇના પરિવારજનોનો હાથ હોવાનો આક્ષેપ પણ કરાયો છે. જો ૧૦ દિવસમાં આ અંગે કોઇ કાર્યવાહી નહી થાય તો ઉપવાસ આંદોલન કરવાની અને જરૂર પડયે આત્મ વિલોપન કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારાઇ છે.