(એજન્સી) નવી દિલ્હી, તા.૬
યશ બેંકની નાણાકીય સ્થિતિ ગંભીર રીતે કથળતા ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ યશ બેંકના બોર્ડને ૩૦ દિવસના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા અને બેંકના ખાતા ધારકો માટે ૩જી એપ્રિલ સુધી ૫૦,૦૦૦ રૂપિયા સુધીના ઉપાડની મર્યાદા લાદ્યાના એક દિવસ બાદ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે યશ બેંકમાં વહીવટનો મુદ્દો ચિંતાની બાબત છે. આજ કાલમાં બેંકની આ પરિસ્થિતિ સર્જાઇ નથી. આરબીઆઇ ૨૦૧૭થી સતત બેંકની સ્થિતિ પર નજર રાખી રહી છે.જોકે રિઝર્વ બેંક યસ બેંકને બચાવવા માટે રેસ્ક્યુ યોજના પણ બનાવી રહી છે. યસ બેંકના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં થાય. આરબીઆઇ દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોથી કોઇ પણ થાપણદાર પર વિપરીત અસર થશે નહીં. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ જલ્દી જ ઉકેલાઇ જશે. યસ બેંકની સર્જાયેલી નાણાકીય કટોકટી પર નાણાં મંત્રાલયની નજર છે. આ મામલે વડા પ્રધાન કાર્યાલયને પણ સતત માહિતી આપવામાં આવી હતી. રિઝર્વ બેંક પણ નાણા મંત્રાલય સાથે સંપર્કમાં છે. દરમિયાન, રોકડ કટોકટીમાં સપડાયેલી યશ બેંકની સ્થિતિને પગલે શેરબજારમાં શુક્રવારે ૧૪૫૯.૫૨ પોઇન્ટનો ભારે કડાકો થયો હતો. જોકે, દિવસના અંતે સેન્સેક્સ ૮૯૪ પોઇન્ટના કડાકા સાથે બંધ થયો હતો. નાણા મંત્રીએ કહ્યું કે થાપણદારો, બેંક અને અર્થવ્યવસ્થાના હિતમાં પગલા ભરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય મહિનાથી બેંક પર સંકટના વાદળા છવાયા હતા. એકાએક આ પરિસ્થિતિ સર્જાઇ નથી. અમે તમામ પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યાં છીએ. તેના ઉકેલ માટે રિઝર્વ બેંક તમામ પ્રયત્ન કરી રહી છે. યસ બેંકને લઈને આરબીઆઈ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. યસ બેંકનું સંપૂર્ણ સંચાલન રિઝર્વ બેંક કરી રહી છે, ત્યારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે બધા જ નિર્ણયો યસ બેંકના હિતમાં લેવામાં આવ્યા છે. અને યસ બેંકનો મામલો ટૂંક સમયમાં ઉકેલી લેવામાં આવશે. યસ બેંકમાં ખાતાધારકોના પૈસા સંપૂર્ણ સલામત છે. તેમણે એવું પણ કહ્યું કે અમે ત્વરિત પગલાં ભરીશું અને બેંકને પુનઃબેઠી કરવા માટે આરી પાસે એક યોજના પણ છે. જોકે યસ બેંકમાંથી ઉપાડની મર્યાદાના સમાચાર નિશ્ચિત થતાં જ યસ બેંકના એટીએમ પર ખાતાધારકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

મોદીના વિચારોથી ભારતીય
અર્થવ્યવસ્થા બરબાદ થઇ : રાહુલ ગાંધી

યસ બેંક પર ભારતીય રિઝર્વ બેંકના અંકુશ બાદ ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો છે. આરબીઆઇએ યસ બેંકમાંથી નાણા કાઢવાની મર્યાદા નક્કી કરી છે. તેણે નિર્દેશ કર્યો છે કે, હાલ વધુમાં વધુ ૫૦,૦૦૦ રૂપિયા જ કાઢી શકાશે. આ પાબંદી દરેક ખાતા પર લાગુ કરાઇ છે. યસ બેંક પર પાબંદી લગાવવા અને નિર્દેશક મંડળના સ્થાને સંચાલક નિયુક્ત કરવા અંગે વિપક્ષી નેતાઓએ મોદી સરકારને ઘેરી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભારતીય અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં કહ્યું છે કે, ‘‘નો યસ બેંક, મોદી અને તેમના વિચારોએ ભારતની આર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે.’’ રિઝર્વ બેંકે યસ બેંક પર ગુરૂવારે કેટલાક અંકુશ લાદી દીધા હતા જેમાં બેંક કોઇ પ્રકારની લોન અથવા રોકાણ પણ કરી શકશે નહીં. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે દાવો કર્યો છે કે, ભાજપ છ વર્ષથી સત્તામાં છે. નાણાકીય સંસ્થાનોને નિયંત્રિત અને નિયમબદ્ધ કરવાની તેમની ક્ષમતા બહાર આવી છે. તેમણે સવાલ કર્યો હતો કે, પહેલા પીએમસી બેંક, હવે યસ બેંક. શું સરકાર બિલકુલ પણ ચિંતિત નથી? શું તે પોતાની જવાબદારીથી બચી શકે છે? શું હવે લાઇનમાં કોઇ ત્રીજી બેંક છે? સત્તાવાર અહેવાલો અનુસાર યસ બેંક પર પ્રતિબંધ લગાવવાના એક દિવસ બાદ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કેન્દ્રીય બેંક પાસે સંકટમાં ફસાયેલી બેંકોને બહાર લાવવાની યોજના છે.

યસ બેંકના સંકટને લીધે એટીએમ ખાલીખમ,
મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન અટવાયા

(એજન્સી) તા.૬
આરબીઆઈ દ્વારા યસ બેન્ક પર સકંજો કસવાની શરૂઆત થતા જ સમગ્ર દેશભરમાં દોડધામ મચી જવા પામી હતી. યસ બેન્કના ખાતાધારકોમાં એકાએક ફફડાટ ફેલાયો હતો. તેઓ દોડીને પોતાના પૈસા ઉપાડવા માટે નજીકના એટીએમ સેન્ટરો પર પહોંચી ગયા હતા. જોકે મોટી સંખ્યામાં લોકો પૈસા ઉપાડવા પહોંચતાં એટીએમ પણ ગણતરીની મિનીટોમાં ખાલીખમ થઈ ગયા હતા.
જોકે બીજા દિવસે જ્યારે બેન્કો ખૂલી તો તેની બહાર પણ મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી જેઓ પોતાના પૈસા સુરક્ષિત રહેશે કે મળશે કે નહીં તે ચિંતામાં જ ગરકાવ હતા. અનેક મશીનો બગડી ચૂક્યા છે. દક્ષિણ મુંબઈના હોર્નિમેન સર્કલ ખાતે એટીએમમાં પૈસા ખૂટી પડ્યા હતા. અહીં આરબીઆઇનું હેડક્વાર્ટર આવેલ છે. અહીં એટીએમના શટર બંધ જોવા મળ્યા હતા. અહીં ફરજ બજાવતાં ગાર્ડે કહ્યું હતું કે મોડી સાંજે જ એટીએમએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અમને આશરે ૧૦ વાગ્યે જ કહી દેવાયું હતું કે શટર બંધ કરી દો. ચેમ્બુરમાં વધુ એક એટીએમમાં પૈસા નીકળી રહ્યા હતા પરંતુ ત્યાં ખાતાધારકોની મોટી લાઇન જોવા મળી હતી. એક વ્યક્તિએ કહ્યું હતું કે હજુ મશીનમાંથી ૫૦૦૦૦ રૂપિયાથી વધુ કાઢી શકાતા હતા.
તદઉપરાંત નજીકમાં જ વધુ એક એટીએમ હતું અને તે આરબીઆઈની જાહેરાતની ગણતરીની મિનીટોમાં જ ખાલી થઈ ગયું હતું. એક મહીલા ગ્રાહકે આ માહિતી આપી હતી. જ્યારે મીડિયામાં અહેવાલ આવ્યા કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા યસ બેન્કને બેલઆઉટ પેકેજ આપીને મુશ્કેલીમાંથી ઉગારવા તૈયાર છે ત્યારે જ આરબીઆઈ અને સરકારે આ નિર્ણય કરી લીધો.

પીએમસી, યસ બેંક બાદ શું ત્રીજી બેંક લાઇનમાં છે ?
ચિદમ્બરમનો નાણામંત્રી નિર્મલા સીતારમણને સવાલ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
આરબીઆઇની યસ બેંક પર કાર્યવાહી બાદ ગ્રહકોની બેચેની વધી ગઇ છે. યસ બેંક અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ બોલાવી જ્યારે કોેંગ્રેસના નેતા તથા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે સીતારમણ સામે પ્રહારો કર્યા હતા. તેમણે ટિ્‌વટમાં જણાવ્યું કે, નાણા મંત્રીને પત્રકાર પરિષદમાં સાંભળ્યા. એ સ્પષ્ટ છે કે, સંકટ ૨૦૧૭થી શરૂ થયું છે અને સરકારે વ્યવહારિક રીતે આરબીઆઇ સાથેવાતચીત સિવાય કાંઇ જ કર્યું નથી. નિર્મલા સીતારમણે પોતાના સ્વભાવ પ્રમાણે આ વખતે પણ યુપીએ સરકાર પર ઠીકરૂં ફોડ્યું હતું. તેમણે કહ્યું કે, વિલયનો નિર્ણય આરબીઆઇના ગવર્નર ડો. સી રંગરાજન અને ડો. વાય વી રેડ્ડી દ્વારા લેવાયા હતા.તો નાણા મંત્રી તેમને કેમ નથી બોલાવતા અને તેમને પોતાના નિર્ણય સમજાવવા માટે કેમ નથી કહેતા? તેઓ એવું માને છે કે, નિર્ણય સક્ષમ ગવર્નરો દ્વારા લેવાયા હોવાથી યોગ્ય હતા.શું સરકાર નબળા જાહેર ક્ષેત્રની બેંકોને મજબૂત જાહેર ક્ષેત્રની બેંકોમાં વિલય નથી કરી રહી? સ્વાભાવિક રીતે નાણા મંત્રી ભાજપના બાકીના કાર્યકાળમાં પણ યુપીએને જ દોષિત ઠરાવશે. ચિદમ્બરમે દાવો કર્યો કે, આ નાણાકીય સંસ્થાઓને નિયંત્રિત તથા નિયમબદ્ધ કરવાની સરકારની ક્ષમતા દેખાડે છે. તેમણે દાવો કર્યો કે, ભાજપ છ વર્ષથી સત્તામાં છે. નાણાકીય સંસ્થાઓને નિયંત્રિત અને નિયમબદ્ધ કરવાની તેમની ક્ષમતા બહાર આવી ગઇ છે. તેમણે સવાલ કર્યો હતો કે, પહેલા પીએમસી બેંક, હવે યસ બેંક, શું સરકાર સહેજ પણ ચિંતિત નથી? શું તેઓ પોતાની જવાબદારીમાંથી બચી શકશે? શું હવે લાઇનમાં કોઇ ત્રીજી બેંક છે?

શું આજે અન્ય બેંક ડૂબશે ? : યસ બેંક કટોકટી અંગે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સામે ‘શિખાઉ’ કટાક્ષ
સાથે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પૂછ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
કટોકટીગ્રસ્ત યસ બેંકના સમાચારોથી બેંકના થાપણદારોમાં ગભરાટ ફેલાયા બાદ ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પૂછ્યું કે શું આજે અન્ય એક બેંક ડુબશે ? કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને શિખાઉ ગણાવીને સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય અર્થતંત્રને પાટા પરથી ઉતારવા બદલ તેમના પક્ષના સાથીદારને જવાબદાર ઠરાવ્યા છે. સ્વામીએ એવું ટિ્‌વટ કર્યું કે કોમવાદી લાઇન પર હિંસક સીએએ વિરોધી આંદોલન, શિખાઉ નાણા પ્રધાનને કારણે ભારતીય અર્થતંત્રની કથળેલી પરિસ્થિતિ અને કોરોના વાયરસને પહોંચી વળવા પર ધ્યાન આપવાની જરૂર હોવાથી એર ઇન્ડિયાના વેચાણને ભૂલી જવાની નમો સરકારને સલાહ આપી છે. જ્યારે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે પ્રત્યેક થાપણદારના નાણા સલામત છે અને તેઓ ભારતીય રિઝર્વ બેંક સાથે સતત સંપર્કમાં છે.

યસ બેંક સંકટ એ સરકારનું પકોડાનો મિક્સ : કોંગ્રેસ

નવી દિલ્હી, તા.૬
યસ બેંક પર આવેલા સંકટને પગલે બેંકના ગ્રાહકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોગ્રેસના નેતા જયવીર શેરગીલે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. શેરગીલે તેમના ટ્‌વીટમાં કહ્યું કે, બેંકોની ખરાબ સ્થિતિ માટે બીજેપી સરકારની પકોડાનોમિક્સને ધન્યવાદ જે ભારતને આર્થિક બંદીની રાજધાની બનાવવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે પૂછ્યું કે, હેવ વધુ કેટલી બેંકો કંગાળ થશે? હજુ કેટલા ઉદ્યોગો બંધ થશે. નાણામંત્રીના રાજીનામાં પહેલા હજું દેશમાં કેટલી બેરોજગારી ફેલાશે ? અન્ય એક ટ્‌વીટમાં શેરગીલે લખ્યું કે, ભાજપે છેલ્લા ૬ વર્ષમાં કરેલી નારેબાજીની હકીકતઃ ૨૦૧૪માં ૧૫ લાખ લે લો (તમામના ખાતાઓમાં), ૨૦૧૮માં પકોડા લે લો (બેરોજગારો માટે), ૨૦૨૦માં તાળા લે લો (બેંક અને ઉદ્યોગો માટે) તેમણે આગળ લખ્યું ભાજપની ભૂલ નાણાકીય નીતિઓને પગલે ભારતના લોકો તેમના ખીસ્સામાંથી ભોગવી રહ્યા છે.

ખરાબ કંપનીઓને લોન માટે યસ કહેવું યસ બેંક માટે બન્યું સંકટ

(એજન્સી) તા.૬
યસ બેંકના ગ્રાહકો પર આફત આવી પડી છે. યસ બેંક ઘણા દિવસોથી ક્રેડિટના સંકટથી પસાર થઈ રહી હતી. રિઝર્વ બેંકે પ માર્ચે યસ બેંકના બોર્ડને ભંગ કરી દીધું અને ખાતાધારકો પર કેટલાક પ્રતિબંધો લગાવી દીધા. આગામી એક મહિના સુધી યસ બેંકના ખાતાધારક માત્ર પ૦૦૦૦ રૂપિયા જ નીકળી શકશે. સાથે જ રિઝર્વ બેંકે નવા એનમિનિસ્ટ્રેટર પણ નિમણૂક કર્યા છે. રિઝર્વ બેંકની આ જાહેરાત પછીથી જ યસ બેંકના ગ્રાહકો પર સંકટનો પહાડ તૂટી પડયો છે જો કે હવે રિઝર્વ બેંકના ગવર્નરે જણાવ્યું કે તે એક મહિનામાં યસ બેંકને સંકટમાંથી બહાર લાવવા માટે પ્લાન લઈને આવશે. અને આ ખાતાધારકોના હિતોનું પુરૂં ધ્યાન રાખવામાં આવશે.
મીડિયા સાથે વાતચીત કરતા રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે જણાવ્યું કે આ સંકટનું સમાધાન ટૂંક જ સમયમાં લાવવામાં આવશે. અમે તે માટે ૩૦ દિવસનો સમય માંગ્યો છે. તેમાં જ તેનો ઉકેલ શોધવામાં આવશે. તમને ટૂંક જ સમયમાં રિઝર્વ બેંક દ્વારા એકશન જોવા મળશે. અમે ટૂંક જ સમયમાં બેંકને રિવાઈવ કરવાની સ્કીમ સામે મુકીશ. અને ખાતાધારકોના હિતોનું પુરૂ ધ્યાન રાખીશું. પહેલા અમે બેંકને બોર્ડને મુશ્કેલી ઉકેલવા માટે કહ્યું પરંતુ પાછલા મહિનાઓમાં આ કામ કરી શકયું ન હતું.
હવે એસબીઆઈ ખરીદશે યસ બેંકમાં ભાગીદારી
સ્ટેટ બેંકે પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરી એકસચેન્જને જણાવ્યું છે કે બેંકના બોર્ડે યસ બેંકમાં રોકાણ કરવાને સૈધ્ધાંતિક પરવાનગી આપી છે. એસબીઆઈએ આ નિવેદન બ્લુમબર્ગના રિપોર્ટ પછી જારી કર્યું જેમાં સૂત્રોના હવાલાથી બતાવવામાં આવ્યું હતું કે યસ બેંકમાં ભાગીદારી ખરીદનારા કેસોર્શિયમમાં એસબીઆઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
યસ બેંકે આ રીતે બનાવ્યું પોતાનું નામ
આરબીઆઈ પાસેથી બેંકિંગ લાઈસન્સ મળ્યા પછી ર૦૦૪માં રાણા કપુર અને અશોક કપુરે મળીને યસ બેંક બનાવી બન્ને મળીને બેંક ચલાવતા હતા. પરંતુ ર૬/૧૧ના હુમલામાં અશોક કપૂરનું અવસાન થઈ ગયું. ત્યાર બાદ રાણા કપુર બધી જવાબદાર સંભાળવા લાગ્યા.
રાણા કપુરે જયારથી બેંકની સંપૂર્ણ કમાન સંભાળી તેમણે જોયા વિના લોન આપવાનું શરૂ કરી દીધું. જયારે બધી બેંક લેણદારોને નો કહેતી હતી. ત્યારે રાણા કપુરની બેંક યસ કહેતી હતી અને લોન આપતી હતી. યસ બેંકે મોટી મોટી લોન આપી અને તે પણ બજારમાં ચાલતા વ્યાજથી વધુ રેટ પર. શરૂઆતમાં બેંકના વેપારમાં ગજબની તેજી જોવા મળી.
બેંકના વેપારમાં જેટલી ઝડપી ઉછાળો જોવા મળ્યો તેનાથી પણ વધુ બેંકના ખરાબ દિવસ પણ આવી ગયા. બેંકની દરેક બાજુ લોન માટે યસ કહેવાની પ્રવૃતિએ તેને ભારે નુકસાન પહોંચાડયું. યસ બેંકે જે કંપનીઓને લોન આપી તેમાંથી અનેક કંપનીઓ બેંક લોનમાં જતી રહી. કાં તો કંપનીઓ બંધ થઈ ગઈ કાં તો પછી તેમનું દેવું એનપીએએસમાં બદલાઈ ગયું.
હવે યસ બેંક પર મોરાટોરિયમ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જયાં સુધી બેંક માટે કોઈ રિવાઈવલ પ્લાન નથી આવતો ત્યાં સુધી આ પ્રતિબંધ કામ કરશે. તેનાથી બેંકના ખાતાધારકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સરકારે એસબીઆઈના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર પ્રશાંત કુમારને સંપૂર્ણ મામલામાં એડમિનીસ્ટ્રેટર નિમણૂક કરવામાં આવ્યા છે. તેમની જવાબદારી હશે કે યસ બેંકની આપેલી લોનમાં રિસ્ટ્રકચરિંગ કરે.
યસ બેંક પાસે બે જ વિકલ્પ
હવે બેંકની પાસે બે જ વિકલ્પ બચ્યા છે કાં તો કોઈ ઈન્વેસ્ટરને શોધે અને મૂડી એકડી કરી કાં તો યસ બેંકનું મર્જર કોઈ અન્ય બેંક સાથે કરે.

યસ બેંક કેમ ભાંગી પડી ? : RBIની અવગણના અને બેડ લોન્સ કારણ બન્યાં

(એજન્સી) તા.૬
નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલ યસ બેંકનું સંકટ ઓછું થવાનું નામ લઈ રહ્યું નથી. ગુરૂવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બેંક ગ્રાહકો માટે ૫૦ હજાર રૂપિયા નિકાળવાની સીમા નક્કી કરી દીધી છે. એટલે ગ્રાહકો એક મહિનામાં માત્ર ૫૦ હજાર રૂપિયા જ નિકાળી શકશે. તે પછી ગ્રાહકોમાં અફરાતફરી મચી ગઈ.
યસ બેંકના ઈતિહાસને જોઈએ તો આ બેંકે માટા ભાગની એવી કંપનીઓને પૈસા આપ્યા છે જેમના નાણાકીય રેકોર્ડ સારા રહ્યાં નથી. બેડ લોનથી લઈને નાણાકીય અવ્યવસ્થા તથા મોદી સરકાર દ્વારા અર્થતંત્રને યોગ્ય રીતે હેન્ડલ ન શકવાને કારણે આજે યસ બેંક પણ ડૂબી ગઈ હોવાનું ચર્ચા છે. જો કે, આરબીઆઈની પણ અવગણના કરાઈ હોવાને પગલે આ બેંક પડી ભાંગી હોવાના અહેવાલ છે. આ ખાનગી ક્ષેત્રની ચોથી સૌથી મજબૂત બેંક હતી. બેન્કિંગ નિષ્ણાંતોની માનીએ તો બેડ લોનનો વધતો જતો આંકડો યસ બેંક માટે મોટી મુશ્કેલી બની ગયું હતું. યસ બેંકને પાછલા કેટલાક વર્ષોમાં સતત એક પછી એક કેટલાક ઝાટકાઓ લાગ્યા અને નાણાકીય પરિસ્થિતિ સતત ખરાબ થતી રહી. ગુરૂવારે વધુ એક ઝાટકો લાગ્યો જ્યારે આરીઆઈએ યસ બેંકમાંથી પૈસા નિકાળવાની સીમા નક્કી કરી દીધી. હવે આ બેંકના ગ્રાહકો એક મહિનામાં માત્ર ૫૦ હજાર રૂપિયા જ નિકાળી શકે છે. આ સમાચાર પછી ગ્રાહકોમાં હડકંપ મચી ગયો છે. આનાથી પહેલા યસ બેંકને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યા જ્યારે ૨૦૧૮માં રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ બેંકના ચેરમેન રાણા કપૂરને સસ્પેન્ડ કરી દીધા હતા.
જ્યારથી યસ બેંકના ચેરમેન રાણા કપૂરને હટાવવામાં આવ્યા ત્યારથી બેંકની પરિસ્તિતિ ખરાબ થવા લાગી. આરબીઆઈને શક હતો કે, યસ બેંક એનપીએ અને બેલેન્સશીટમાં હેરાફેરી કરી રહ્યાં છે. તે પછી કાર્યવાહી કરવામાં આવી. જો યસ બેંકના ઈતિહાસ પર નજર નાખીએ તો સમજમાં આવશે કે, આરબીઆઈને શક કેમ થયો. નાની એવી બેંકથી શરૂ થનાર યસ બેંક પાછલા એક દશકામાં ૩ લાખ કરોડની એસેટવાળી કંપની બની ગઈ. આ દરમિયાન યસ બેંકે દેશની કેટલીક એવી કંપનીઓને લોન આપી જેમનો વ્યવહાર સારો નહતો. તે કંપનીઓને કોઈ અન્ય લોન આપવા માટે તૈયાર નહતું. આ લિસ્ટમાં એલએન્ડએફએસ, દીવાન હાઉસિંગ, જેટ એરવેજ, કોક્સ એન્ડ કિંગ્સ, સીજી પાવર અને કેફે કોફી ડે જેવી કંપનીઓ સામેલ છે, જેમને યસ બેંકે લોન આપી. આ બધી જ કંપનીઓ નાણાકીય ખરાબ પરિસ્થિતિમાં થઇ ગઈ અથવા તેમનું એનપીએ રેકોર્ડ લેવલ સુધી પહોંચી ગયું. યસ બેંકના શેર સ્ટોક માર્કેટમાં આકાશને આંબી રહ્યાં હતા. બેંકની લોનબુક, જમા, લાભ અને બેલેન્સશીટ જોઈને શેર સતત વધી રહ્યાં હતા. એક સમયમાં તો શેર ૧૪૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, જ્યારે એનપીએ વધવાનું શરૂ થયું તો આના શેર ઘટવા લાગ્યા. આરબીઆઈએ સ્થિતિને સંભાળવા માટે દખલ કરી અને આજે યસ બેંકના શેર ૩૬ રૂપિયા સુધી પહોંચી ગયા છે.
વિદેશી બેંકર રાણા કપૂરનું કોર્પોરેટ સેક્ટરમાં સારી એવી નેટવર્કિંગ હતી. તેમને મોટાભાગની લોન ૨૦૦૮ પછી વહેંચી. તે પછી ભારતની આર્થિત સ્થિતિ ખરાબ થવા લાગી. પાછલા ત્રણ-ચાર વર્ષમાં જે કંપનીઓને તેમને લોન આપી તેમાથી મોટાભાગની ડૂબવા લાગી અને યસ બેંકનું એનપીએ સતત વધવા લાગ્યું. જોકે, યસ બેંકે પાછલા કેટલાક મહિનાઓમાં નાણાકીય સ્થિતિ સુધારવાની ખુબ જ કોશિશ કરી પરંતુ સફળતા મળી નહીં.