(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૧
ખંભાત શહેરમાં ગત તા.૨૩મી ફેબ્રુઆરીના રોજ થયેલી જુથ અથડામણ બાદ હાલમાં શાંતિ પ્રવર્તી રહી છે ત્યારે આ શાંતિમાં પલીતો ચાંપવાના અને દહેશત ફેલાવવા કેટલાક કટ્ટરવાદી તત્વો હજુ સક્રિય હોય તેમ શાંતીને છીન્નભીન્ન કરવાનાં બદઈરાદે કોઈ અજાણ્યા શખ્સોએ ભોઈબારી વિસ્તારમાં મોતરાસીયા મસ્જિદ પાસે આવેલી બાવળની ઝાડીમાંથી પથ્થરો ફેંકી ઉસ્કેરણી અને દહેશત ફેલાવવાનું કૃત્ય કર્યું હતું, જો કે મુસ્લિમ સમુદાય દ્વારા સંયમતા જાળવી કાંકરીચાળાનો જવાબ આપવાનાં બદલે પોલીસને જાણ કરતા આ બનાવ અંગે એસઆરપીના પોલીસ કોન્સ્ટેબલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ખંભાત સિટી પોલીસ મથકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ખંભાત શહેરમાં જુથ અથડામણ બાદ શાંતિ પ્રવર્તી રહી છે ત્યારે ખંભાત શહેરના ભોઈબારી વિસ્તારમાં હજુ પણ કેટલાક કટ્ટરવાદી તત્વો દ્વારા શાંતીમાં પલીતો ચાંપીને શહેરમાં અશાંતી સર્જવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભોયબારી વિસ્તારમાં આવેલી મોતરાસીયા મસ્જિદમાં મુસ્લિમ સમુદાયના લોકો ગત રાત્રીના ૮ઃ૩૦ વાગ્યાના સુમારે ઈશાની નમાજ પડી રહ્યા હતા ત્યારે મસ્જિદના પાછળના ભાગે આવેલ બાવળીમાંથી કોઈ અજાણ્યા શખ્સે છુટા પથ્થરો ફેંક્યા હતા અને મસ્જિદ પાસે જ કાંકરીચાળો કરી ઉસ્કેરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મુસ્લિમ સમાજએ સંયમતા દાખવીને કાંકરીચાળાનો જવાબ આપવાનાં બદલે આ બનાાવ અંગે મસ્જિદ નજીક તૈનાત એસઆરપીના પોકો હિતેશભાઈને જાણ કરતા હિતેશભાઈ તથા તેમની સાથેના પોકો મસ્જિદ તરફ ગયા હતા અને તપાસ કરતા મસ્જિદની પાછળની બાવળની ઝાડીમાંથી અંધારામાંથી કોઈ વ્યક્તિ પથ્થરો ફેંકતું હતું અને આ પથ્થરો મસ્જિદ પાસે પડતા હતા. જેથી એસઆરપીએ બાવળની ઝાડીમાં તપાસ કરી હતી. પરંતુ પથ્થર ફેંકનાર વ્યક્તિ મસ્જ ન હતી. જેથી આ બનાવને લઈને પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં કોઈ વ્યક્તિઓએ દહેશત ફેલાવવા માટે પથ્થરો ફેંક્યા હોવાનું જણાતા એસઆરપી પોકો હિતેશભાઈ અરવિંદભાઈએ પથ્થર ફેંકનાર અજાણી વ્યક્તિ વિરૂદ્ધ ખંભાત સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૩૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ખંભાત શહેરમાં ગત ૨૩મી ફેબ્રુઆરીનાં રોજ અકબરપુર વિસ્તારમાં તોફાનો થયાનાં બેે દિવસ પૂર્વે આવી જ રીતે રાત્રીનાં નમાજનાં સમયે કટ્ટરવાદી તત્વો દ્વારા પથ્થરમારો કરી ઉસ્કેરણીનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ મુસ્લિમ સમાજે સંયમતા દાખવી હતી પરંતુ બે દિવસ બાદ તોફાનો થયા હતા, ત્યારે પથ્થરો ફેંકીને ઉસ્કેરણી કરવાનો તેમજ દહેશત ફેલાવનારા તત્વોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.