“અબ ના મૈ હું ના બાકી હૈ ઝમાને મેરે, ફિર ભી મશહૂર હૈ શહરોમેં ફસાને મેરે”

હૃદયરોગનો હુમલો આવતાં નિધન : કોરોના સંક્રમિત થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા : ચાહકો શોકમગ્ન : ઉર્દૂ શાયરીના એક આખા “જમાના” પર પૂર્ણવિરામ

મૈં જબ મર જાઁઉ તો મેરી અલગ પહેચાન લિખ દેના,
લહુસે મેરી પેશાની પે હિન્દુસ્તાન લિખ દેના

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
વિશ્વ પ્રસિદ્ધ શાયર અને કવિ રાહત ઈન્દોરીનું આજે હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું. ગત રવિવારે તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર માટે મધ્યપ્રદેશની શ્રી અરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા મુજબ તેમને મંગળવારે બે વખત હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને ૬૦ ટકા નિમોનિયા હતું. તેમની વય ૭૦ વર્ષ હતી. આ અગાઉ રાહત ઈન્દોરીએ પોતે ટ્‌વીટ કરી માહિતી આપી હતી કે કોરોનાના આરંભિક લક્ષણો જણાતાં તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું. અરબિંદો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો છું. દુઆ કરો કે હું વહેલામાં વહેલી તકે આ બીમારીને પરાજિત કરી દઉં. એક વિનંતી છે કે મને અથવા મારા ઘરના લોકોને ફોન ન કરતાં. મારા સ્વાસ્થ્યના સમાચાર ટ્‌વીટર અથવા ફેસબુક પર મળતાં રહેશે.
રાહત ઈન્દોરી એક જગ પ્રસિદ્ધ શાયર હતાં અને તેમણે કેટલીક હિન્દી ફિલ્મો માટે પણ ગીતો લખ્યાં હતાં. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ડોકટરોની સલાહને આધારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અરબિંદો હોસ્પિટલના સીઓઓ રાજીવ સિંહે જણાવ્યું હતું કે, તેમની તબિયત લથડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. તેમણે પરોઢિયે ૪ઃ૧૫થી ૪ઃ૩૦ની વચ્ચે અંતિમશ્વાસ લીધા હતા. ઈન્દોરની અરબિંદો હોસ્પિટલના ડોકટર મહક ભંડારીના જણાવ્યા મુજબ મોડી રાત્રે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. અમે તેમને સીપીઆર આપ્યું હતું પણ તેમનું બીપી નિયંત્રણમાં આવતું ન હતું. એસએઆઈએમએસના ચેરમેન ડોકટર વિનોદ ભંડારીએ જણાવ્યું હતું કે, તેઓ હાયપરટેન્શન, ટાયબિટીશ અને હાર્ટની તકલીફથી પીડિત હતાં. હોસ્પિટલ સ્ટાફે તેમના પરિવારને તેમના નિધનની જાણકારી આપી હતી. આ અગાઉ તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્‌વીટ કરી તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી. રાહત ઈન્દોરીનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ઈન્દોરમાં થયો હતો. તેમણે ઉર્દૂ સાહિત્યમાં પીએચડી કર્યું હતું. તેમણે મધ્યપ્રદેશની ભોજ યુનિવર્સિટીમાંથી આ પદવી મેળવી હતી. પોતાની અદ્‌ભૂત શાયરીઓ દ્વારા તેમણે એક ખાસ સ્થાન હાંસલ કર્યું હતું. તેમના મોતથી ચાહકોને આઘાત લાગ્યો હતો.