અમરેલી, તા.ર૪
અમરેલીના અલીફનગરમાં રહેતા એક રિક્ષાચાલકને એક મહિલા સાથેના આડા સંબંધમાં સમાજમાં બદનામ કરી પોલીસ કેસ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતા ઝેરી દવાથી પેટમાં લોખંડના કોપતા મારી રિક્ષાચાલકને મરવા મજબૂર કર્યાની ઘટનાની ભારે ચકચાર જાગેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરના મીની કસ્બાવાડ વિસ્તારના અલીફનગરમાં રહેતા પણ સંતાનોના પિતા એવા સિરાજ દિલાવરભાઈ ગોરી નામના રિક્ષાચાલકને બટારવાડીમાં રહેતી નસીમબેન સમીરભાઈ પરમાર (પિંજારા) નામની મહિલા સાથે આઠેક માસથી આડા સંબંધ હતા. આડા સંબંધમાં નસીમબેન, રિઝવાના બેન, અયાજભાઈ શોભાણી અને તેનો પતિ અયાજ શોભાણી સહિત ત્રણેયે સિરાજ પાસેથી અવારનવાર પૈસાની માગણી કરતા હતા. રિક્ષાચાલક માંડ-માંડ ગુજરાન ચલાવતા રિક્ષાચાલકે આ બાબતે આપઘાત કરી લેવાની વાત પત્નીને પણ કરેલ હતી. પૈસાની માગણી સાથે સમાજમાં બદનામ કરી ખોટા કેસમાં ફિટ કરી બ્લેકમેઈલ અને મારી નાખવાની ધમકીથી રિક્ષાચાલક માનસિક રીતે ત્રાસી ગયેલ હતો. આખરે ગઈકાલે બપોરના પોતાના ઘરે બાથરૂમમાં જઈ ઝેરી દવા પી બાદમાં લોખંડના કોપતા વડે પેટમાં ઘા મારવા લાગેલ હતો. આવી હાલતમાં સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતો. જ્યાં બે કલાકની સારવાર બાદ મોત નિપજેલ હતું. પોતાના પતિનાં મોત અંગે રેશમાબેન સિરાજભાઈ ગૌરી (ઉ.વ.૩પ)એ મરવા મજબૂર કરનાર ત્રણેય સામે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી. પી.એસ.આઈ. એમ.એચ.પરાડિયાએ ત્રણેય આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલ હતી.