નવી દિલ્હી,તા.ર૪
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન સરફરાઝ અહેમદે દક્ષિણ આફ્રિકાના એડિલે ફેહુલકવાયો ઉપર કરેલી એક વંશીય ટિપ્પણી બાદ માફી માંગી લીધી છે. દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ડરબનમાં રમાયેલી બીજી વન-ડેમાં માઈક પર એ સાંભળવા મળ્યું કે તે એડિલે પર વંશીય ટિપ્પણી કરી રહ્યો છે. જે સમયે સરફરાઝ આ કોમેન્ટ કરી રહ્યો હતો. તે સમયે એડિલે ફેહુલકવાયો અને વન્ડર ડસેન વચ્ચે વિજયી ભાગીદારી ચાલી રહી હતી. એવું કહેવાય છે કે સરફરાઝ વિરૂધ્ધ આઈસીસી પગલાં લેશે. ચારેય તરફથી ટીકાઓનો સામનો કરી રહેલા સરફરાઝે પોતાના ઓફિશિયલ હેન્ડલથી ટવીટ કરી માફી માંગી છે. પાકિસ્તાની કપ્તાને ટવીટ કર્યું કે હું દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ વન-ડેમાં કરેલી પોતાની અભિવ્યકિત માટે માફી ઈચ્છુ છું. જો કે મારા શબ્દ કોઈ વ્યકિતને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યા ન હતા અને ન તો મારો હેતુ કોઈને અપમાનિત કરવાનો હતો. ભવિષ્યમાં હું આવા પ્રકારની કોમેન્ટથી દૂર રહીશ અને આવનારા ક્રિકેટરોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરીશ.