(એજન્સી) તા.પ
દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ધી મુસ્લિમ વર્લ્ડ લીગ (એમડબ્લ્યૂએલ) દ્વારા આંતરરાષ્ટ્રીય ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પીસ ફોરમનું આયોજન દુનિયાને સુરક્ષિત બનાવવા : ધર્મનું પાલન કરનારા નફરત, કટ્ટરવાદ અને આતંકવાદ વિરુદ્ધ એકજૂથ બને એવા શીર્ષક હેઠળ કરવામાં આવ્યું હતું. તેનો શુભારંભ ડરબનના મેયર ઝન્દીલે ગુમેદે દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ મોહમ્મદ અલ ઇસા પણ હાજર રહ્યાં હતા અને તેમની સાથે સાથે સાઉથ આફ્રિકાની સરકારના કેટલાક મંત્રીઓ અને જુદા જુદા ધર્મના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અલ ઇસાએ આ અવસરે મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત પીસ ફોરમમાં ભાગ લેવા આવેલા તમામ દેશોના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આપણે પ્રેમ અને એકબીજા પ્રત્યે સદભાવની ભાવના તથા સહયોગમાં વધારો કરવાની અને તેને પ્રોત્સાહન આપવાની જરુર છે અને તેમણે કહ્યું કે મુસ્લિમ વર્લ્ડ લીગ આ કામમાં અડચણ બનતાં તમામ પ્રકારના અવરોધો સામે લડી લેવા માટે તૈયાર છે. જેવા ધાર્મિક, સાંસ્કૃતિક અથવા કોઇપણ દેશ હોય કે પછી જાતિવાદી હોય. અલ ઇસાએ કહ્યું કે મુસ્લિમ વર્લ્ડ લીગ એક બ્રિજ સમાન છે જે એકબીજાને માફ કરવા, સહઅસ્તિત્વ જાળવી રાખવા અને શાંતિ માટે કામ કરે છે. અને આ જ કારણે અમારા કેટલાક આંતરરાષ્ટ્રીય ભાગીદારો ઇસ્લામિક પક્ષને આવકારે છે અને તેને આતંકવાદ તથા કટ્ટરવાદ સામે ટકાવી રાખવા માટે સહયોગ કરવા તૈયાર રહે છે. અહીં મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવે પણ ભારપૂર્વક કહ્યું હતું કે ઇસ્લામિક કથનોનું સાચું અર્થઘટન તો ફક્ત પરંપરાગત અને મુખ્યધારાના વિદ્વાનો દ્વારા જ કરવામાં આવે છે. જોકે કટ્ટરવાદીઓ દ્વારા તો આ ઇસ્લામ ધર્મને અને તેના કથનોને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે અને લોકોને આતંકવાદ પ્રત્યે પ્રેરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેઓ ફક્ત જૂઠા દાવા જ કરતા રહે છે. તેમણે કહ્યું કે મુસ્લિમ લીગ કોઇની સાથે ભેદભાવ કરતી નથી. અમારો ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે કોઇપણ પ્રકારના લાભની ચિંતા કર્યા વિના બધા ધર્મના લોકોની સેવા કરવી એ જ સાચો ધર્મ ઇસ્લામ છે.