કેપટાઉન, તા. ૫
દક્ષિણ આફ્રિકા સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટના પહેલાં દિવસે જ ભારતે સારી શરૂઆત કરી પોતાનો હાથ ઉપર રાખ્યો છે. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં ર૮૬ રનમાં સમેટાયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાને ભુવનેશ્વર કુમારે સતત આંચકા આપતા ૧૨ રનમાં જ ત્રણ વિકેટ ખેરવી દીધી હતી. જો કે, એબી ડિવિલિયર્સ અને ડુપ્લેસીસની અર્ધ સદી અને બંને વચ્ચેની ચોથી વિકેટ માટે ૧૧૪ રનની ભાગીદારીની મદદથી આફ્રિકા મુશ્કેલીમાંથી બહાર આવ્યું હતું. ડિવિલિયર્સે ૬૫ જ્યારે ડુપ્લેસીસે ૬૨ રન બનાવ્યા હતા. ભારત માટે ભુવનેશ્વરે ૪, અશ્વિને ર જ્યારે મોહમ્મદ શમી, બુમરાહ અને પંડ્યાએ ૧-૧ વિકેટ ઝડપી હતી.
આ સાથે જસપ્રીત બુમરાહ ભારતનો ર૯૦મો ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે જેણે દ.આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં પદાર્પણ કર્યું. બુમરાહે અત્યારસુધી ૩૧ વન-ડે મેચોમાં પ૬ અને ૩ર ટ્‌વેન્ટી-ર૦ મેચોમાં ૪૦ વિકેટ ઝડપી છે. રસપ્રદ વાત એ છે કે બુમરાહે વન-ડે ફોર્મેટની સફળતાના આધારે ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે કારણ કે તેણે છેલ્લા એક વર્ષ દરમિયાન કોઈ પ્રથમ કક્ષાની મેચ રમી નથી.