(એજન્સી)
સિયોલ, તા.૮
દક્ષિણ કોરિયામાં અમેરિકાના બોમ્બ વર્ષક બી-૧બી વિમાનોને સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ કરતાં ઉશ્કેરાયેલ ઉત્તર કોરિયાએ ચેતવણી આપી હતી કે, હવે અમેરિકાએ યુદ્ધને નોતરું આપી દીધું છે. બસ હવે એ જોવાનું રહ્યું કે, યુદ્ધ ક્યારે થાય છે ? બીજી તરફ ઉત્તર કોરિયાના સહયોગી દેશ ચીને તેને શાંત રહેવાની સલાહ આપી હતી અને સૂચન કર્યું હતું કે, યુદ્ધ કોઈ જવાબ નથી.
છ ડિસેમ્બરે અમેરિકાના વાયુ દળના વિમાનો દક્ષિણ કોરિયાના પેયોંગતામાં સ્થિત ઓસાન મથક ખાતે ‘વિજિલેન્ટ એસ’ નામના યુદ્ધ અભ્યાસમાં સામેલ થયા હતા. આ સમગ્ર અભ્યાસમાં એફ-૧૬ વિમાનો સહિત કુલ ર૩૦ વિમાનો સામેલ થયા હતા. આ અભ્યાસના એક સપ્તાહ પહેલા જ ઉત્તર કોરિયાએ પોતાની સૌથી શક્તિશાળી ઈન્ટરકોન્ટિનેટલ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જેની પ્રહાર ક્ષમતા અમેરિકા સુધીની છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા જે રીતે યુદ્ધ અભ્યાસ કરી ટકરાવની સ્થિતિ ઊભી કરી રહ્યું છે તે જોતા યુદ્ધ નિશ્ચિત જણાય છે. અમે યુદ્ધ નથી ઈચ્છતા પણ હવે કોઈ ઉકેલ નથી. શાંતિની અપીલ કરતાં ચીનના વિદેશમંત્રીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે, તમામ પક્ષકારો શાંતિ બનાવી રાખશે અને તંગદિલી ઘટાડવા પગલાં ભરશે. યુદ્ધ કોઈના પણ હિતમાં નથી. યુદ્ધથી સામાન્ય લોકોને સૌથી વધુ અસર થશે.