(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મંગળવારથી શરૂ થયેલી વરસાદની તોફાની બેટિંગ બુધવારે આખો દિવસ અને રાત સુધી યથાવત્‌ રહેવા પામી હતી. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ પાંચેય જિલ્લામાં તમામ તાલુકાઓમાં બે દિવસમાં પાંચ ઈંચથી લઈને ૧૪ ઈંચ સુધી વરસાદ ઝીકાતા નદી, નાળા પાણીથી છલકાય ઓવરફ્લો થયા હતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં, રસ્તાઓ અને ખેતરમાં પાણી ભરાયા હતા. વરસાદને કારણે લોકોની જનજીવન પ્રભાવિત થયું હતું તેમજ તેમની હાલત કફોડી બની જવા પામી હતી. સૌથી વધુ વરસાદ માંડવીમાં ૩૫૨ મી.મી. એટલે ૧૪, ખેરગામ ૨૪૨ મી.મી. એટલે ૧૦, બારડોલીમાં ૨૪૦ મી.મી. એટલે ૧૦, સોનગઢમાં ૨૩૩ મી.મી. એટલે સાડા ૯ ઈંચ, પારડીમાં ૨૧૭ મી.મી. એટલે સાડા ૮ ઈંચ, માંગરોળમાં ૨૦૬ મી.મી., ડોલવણ ૧૯૩ મી.મી., ચીખલીમાં ૧૯૨ મી.મી. એટલે ૪ ઈંચ વરસાદ, બાકીના તમામ તાલુકાઓમાં ચારથી વધુ ઈંચ વરસાદ ઝીંકાયો છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી પસાર થતી વાવ્યા ખાડી પર બૌધાન-મુંજલાવ ગામને જોડતો લો લેવલ પુલ ઉપર પાણી ફરી વળતા લોકોની અવર-જવર માટે બંધ કરી દેવાયો છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ મંગળવારે ઉમરપાડામાં ૧૮૧ મી.મી. પડ્યા બાદ વધુ ૧૦૧ મી.મી., બારડોલીમાં ૧૦૮ મી.મી. પડ્યા બાદ વધુ ૧૩૨ મી.મી., સુરત સિટીમાં ૭૪ મી.મી. પડ્યા બાદ વધુ ૧૦૪ મી.મી., મહુવામાં ૪૭ મી.મી. બાદ વધુ ૧૦૨ મી.મી., માંડવીમાં ૧૪૩ મી.મી. બાદ વધુ ૨૦૮ મી.મી. પડ્યો હતો. આ સિવાયના તાલુકામાં બેથી લઈને ત્રણ ઈંચ નોંધાયો હતો તેજ પ્રમાણે નવસારી તાલુકામાં ખેરગામમાં ૧૨૪ મી.મી. અને બાકીના તાલુકામાં દોઢી બે ઈંચ પડ્યા બાદ બુધવારે ગણદેવીમાં ૧૫૧ મી.મી. એટલે છ ઈંચ, ચીખલી-વાસદામા ૧૨૫ મી.મી. એટલે પાંચ ઈંચ, વલસાડમાં તમામ તાલુકાઓમાં ચાર ઈંચ પડ્યો હતો. વલસાડ તાલુકામાં ધરમપુરમાં ૧૧૪ મી.મી. બાદ વધુ ૧૦૧ મી.મી., પારડીમાં ૪૯ મી.મી. બાદ વધુ ૧૬૮ મી.મી., વાપીમાં સતત બીજા દિવસે ૯૦ મી.મી., કપરાડામાં ૫૭ મી.મી. બાદ વધુ ૧૦૦ મી.મી. અને ઉમરગામમાં ૨૧ મી.મી. બાદ ૯૨ મી.મી. વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લામાં તમામ તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસ્યા બાદ બુધવારે વધુ સોનગઢમાં ૧૯૦ મી.મી. એટલે આઠ ઈંચ, વ્યારા ૧૨૯ મી.મી. એટલે પાંચ ઈંચ, વાલોડ ૧૩૫ મી.મી. એટલે સાડા પાંચ, ઉચ્છલ અને ડોલવણ સાડા ચાર ઈંચ પડ્યો હતો. જો ડાંગમાં આહવામાં ત્રણ ઈંચ, વઘઈમાં સવા ચાર ઈંચ, સુબીરમાં ચાર અને સાપુતારામાં સાડા ત્રણ ઈંચ પડ્યો હતો.