(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૭
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તેની શરૂ કરેલી સવારી આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેતા દક્ષિણ ગુજરાત તરબોળ થઈ ગયો છે. વીતેલા ચોવીસ કલાકમાં પડેલા સામાન્યથી ભારે વરસાદમાં દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ નોંધાયો છે એકથી બે ઈંચ સુધીનું પાણી ઝીકાયા આખો દક્ષિણ ગુજરાતના પટ્ટો વરસાદમય માહોલમાં રંગાયો છે. સતત ત્રીજા દિવસે વરસાદ પડવાનું ચાલુ રહેતા ખેડૂતોમાં પણ હર્ષની લાગણી ફેલાઈ છે. સૌથી વધારે વરસાદ સુરત જિલ્લાના તમામ તાલુકામાં નોંધાયો છે. વઘઈમાં ચાર ઈંચ, પલસાણા, બારડોલી, નવસારી, જલાલપોર, ચીખલી, વલસાડ, કપરાડામાં બે ઈંચ, સુરત સીટી, વાપી કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા બાદ વરસાદ વિરામ લીધો હતો. જાણે વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. અને વરસાદ પડે તેની રાહ જાઈને આકાશમાં મીટ માંડી બેઠા હતા. બીજી તરફ સતત ગરમી પડતી હોવાથી શહેરીજનો પણ ભારે ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. આકાશમાં વાદળો બંધાયા બાદ હાથ તાળી આપી નાસી જતા હોય તેમ વરસાદ પડતો ન હતો. ગરમી ઉકળાટ વચ્ચે શનિવારે સવારથી વરસાદમય માહોલ સર્જાયો હતો. રવિવારે ધોધમાર પડ્યો હતો. વરસાદે આજે ત્રીજા દિવસે પણ તેની બેટીંગ ચાલુ રાખતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે તો શહેરીજનોએ ગરમીથી છુટકારો અનુભવ્યો છે. આજે સવારે ઉકાઈ ડેમની સપાટી ૩૧૯.૨૦ ફુટ, ડમમાં ઈનફ્લો ૨૨૨૭૯ ક્‌.યુસેક અને આઉટ ફ્લો ૬૦૦ ક્યુસેક નોંધાયો હતો.
વિતેલા ચોવીસ કલાકના આંકડા
સુરત જિલ્લામાં બારડોલીમાં ૪૯, ચોર્યાસીમાં ૨૨, કામરેજમાં ૪૦, મહુવામાં ૨૭, માંડવીમાં ૨૯, માંગરોળમાં ૩૯, ઓલપાડમાં ૩૮, પલસાણામાં ૫૩, સુરત સીટીમાં ૪૨, ઉમરપાડામાં ૩૧ મી.મી
નવસારી જિલ્લામાં નવસારીમાં ૫૪, ખેરગામમાં ૩૦, ગણદેવીમાં ૨૭, ચીખલીમાં ૪૮, જલાલપોરમાં ૫૧, વાસદામાં ૨૨ મી.મી.
વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૨૦, કપરાડામાં ૪૭, ધરમપુરમાં ૧૧, પારડીમાં ૩૦, વલસાડમાં ૫૬ વાપીમાં ૪૦ મી.મી
તાપી જિલ્લામાં ઉચ્છલમાં ૧, કુકરમુંડામાં ૭, ડોલવણમાં ૩૬, નિઝરમાં ૨, વ્યારામાં ૨૫, વાલોડમાં ૨૮, સોનગઢમાં ૧૪ મી.મી
ડાંગ જિલ્લામાં આહવામાં ૨, વઘઈમાં ૧૦૨, સાપુતારામાં ૪ મી.મી
શહેરમાં તમામ ઝોનમાં દોઢથી પોણા બે ઈંચ વરસાદ
સુરત શહેરમાં બે દિવસથી વરસાદનો પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં ૪૨ મી.મી એટલે પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે સુરત મહાનગરપાલિકાના ફ્લટ કંટ્રોલમાંથી શહેરમાં ઝોન વાઈસ પડેલા વરસાદની મળતી આંકડાકીય માહિતી મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૪૨, વરાછા-એમાં ૪૨, વરાછા-બીમાં ૩૭, રાંદેરમાં ૩૦, ઉધનામા ૩૫, લિંબાયતમાં ૩૩, કતારગામમાં ૩૮ અને અઠવા ઝોનમાં ૨૯ મી.મી વરસા પડ્યો હતો. જયારે સવારે તમામ ઝોનમાં ૫ મી.મીથી લઈને ૧૭ મી.મી સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં અઠવામાં ૧૭, સેન્ટ્રલ ઝોનમાં ૧૪ મી.મી નોંધાયો છે.