સુરત, તા.૨
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે. વાછળછાયા વાતાવરણ વચ્ચેથી વરસાદ પડે તેવી આશા માંડીને જગતનો તાત બેઠો છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં ચાર મીમી અને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ૧ મીમી હળવો વરસાદ પડ્યો હતો. તે સિવાયનો વિસ્તાર કોરો ધાકોર રહ્યો છે. જેથી ખેડૂતો વરસાદ મનમુકીને વરસે તેવી આશા રાખી રહ્યાં છે. ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના હથનૂર સહિતના ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા સારા વરસાદના પગલે ઉકાઈની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવકના પગલે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી આશા બંધાઈ છે. જો કે, હજુ સુધી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી પહોંચી ન હોવાથી ખેડૂતોમાં ઉભા પાકની સિંચાઈને લઈને ચિંતા ઉભી થઈ છે.