અમદાવાદ, તા.૨
નિસર્ગ વાવાઝોડું આવતીકાલ તા.૩જી જૂનને બપોર બાદ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે ટકરાવની સંભાવના છે જેના પગલે દરિયાકાંઠાના સંભવિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના ૧૬,૫૯૭ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે, એમ રાહત કમિશનર હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું. વધુમાં રાહત કમિશનર પટેલે નિસર્ગ વાવાઝોડા સંદર્ભે દરિયા કિનારાથી ત્રણ કિલોમીટર સુધી આવેલા ગામો/બેટની સ્થળાંતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ભાવનગર, આણંદ, અમરેલી અને ગીર સોમનાથ એમ કુલ આઠ જેટલા દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના ૨૧ તાલુકાઓના ૧૬૭ ગામ/બેટની કુલ વસ્તી ૫,૭૯,૯૦૬ છે જેમાંથી ૩૪,૮૮૫ લોકોનું સ્થળાંતર કરવાની આવશ્યકતા છે તેમાંથી અત્યાર સુધીમાં ૧૬,૫૯૭ લોકોને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા આયોજન બદ્ધ રીતે ૨૬૫ જેટલા સલામત આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત સ્થળાંતર સહિતની કામગીરીમાં લઈને પહોંચી વળવા વહીવટીતંત્રને પૂરતો સહકાર અને સહયોગ આપવા પણ રાહત કમિશનરે લોકોને અપીલ કરી છે. વધુમાં પટેલે કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું અને જિલ્લાનું વહીવટીતંત્ર સુસજ્જ છે. રાજ્યના કંટ્રોલરૂમ ખાતેથી અસરગ્રસ્ત જિલ્લાના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્ક કરીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના પવનની તીવ્રતાને ધ્યાને લઈને જરૂર જણાય તો હાઈવોલ્ટેજ લાઈનો દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શમાં રહીને બંધ કરવા પણ સૂચના આપી દેવાઈ છે એ જ રીતે અસરગ્રસ્ત વિસ્તારની એરપોર્ટ ઓથોરિટીને વાવાઝોડાને લાગત એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ માછીમારો પણ સરકારની મંજૂરી સિવાય દરિયો ખેડે નહીં તે માટે ફિશરીઝ અને મેરીટાઈમ બોર્ડને સૂચના આપવામાં આવી છે. કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાને લઈ સ્થળાંતરની કામગીરી જોડાયેલી રેસ્ક્યૂ ટીમોને પીપીઈ કિટથી સજ્જ કરી, નિયત કરાયેલા આશ્રયસ્થાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝેશન સહિતની તકેદારી રાખવા પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં બચાવ કામગીરી માટે તકેદારીના ભાગરૂપે રાજ્યના સંબંધિત જિલ્લાઓમાં SDRFની ૬ ટીમ અને NDRFની ૧૩ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત NDRFની વધુ પાંચ ટીમ એરલિફ્ટ કરવામાં આવશે. સંભવિત વાવાઝોડાને પગલે રાહત-બચાવની કામગીરી માટે તકેદારીના ભાગરૂપે રાજ્યમાં દ્ગડ્ઢઇહ્લની કુલ ૧૩ ટીમો તૈનાત કરી હોવાનું જણાવી શ્રી પટેલે ઉમેર્યું હતુ કે, તે પૈકી ૧૦ ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે. જેમાં વલસાડ ખાતે ૨ તથા નવસારી, ભરૂચ, સુરત, આણંદ, ખેડા, સોમનાથ, અમરેલી અને ભાવનગર ખાતે ૧-૧ ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે ૩ ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત વધુ પાંચ NDRFની ટીમો એરલિફ્ટ કરવામાં આવનાર છે. એટલું જ નહીં SDRFની પણ કુલ ૬ ટીમ તૈનાત છે જેમાં નવસારી, ભાવનગર, વલસાડ, ભરૂચ, સુરત અને અમરેલી ખાતે એક-એક ટીમ તૈનાત છે. રાહત કમિશનરે ઉમેર્યુ કે, વાવાઝોડા તથા કોરોના બંને પરિસ્થિતિને ધ્યાને રાખીને દરિયાકાંઠાના જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનરો સાથે સતત સંપર્કમાં રહીને સ્થિતિની બારિકાઈથી સમિક્ષા કરી જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે.