ભાવનગર, તા.૧૪
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સત્તાધારી ભાજપ અને મહાપાલિકાના અધિકારીઓની ગેરકાયદેસર દબાણો હટાવવાની બેધારી નીતિ સામે આંદોલન ચાલી રહ્યું છે. આ અગાઉ રેલી, આવેદનપત્ર, દેખાવો યોજ્યા હતા. જ્યારે આજે સવારે ૧૧ કલાકે કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના ૬ કોંગ્રેસના આગેવાનોએ આમરણાંત ઉપવાસ તેમજ અન્ય કાર્યકરોએ મહાનગરપાલિકા નજીકમાં ઉપવાસ આંદોલન શરૂ કરતા પોલીસ તંત્રએ તમામની અટકાયત કરી સ્થાનિક એ-ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા હતા. બપોરે ર કલાકે તમામ કાર્યકરોને મુક્ત કરાતા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાન, કાર્યકરોએ ફરીવાર બપોર બાદ મહાનગરપાલિકા નજીકમાં આમરણાંત ઉપવાસ અને પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. જ્યારે સાંજે પ કલાકે મહાનગરપાલિકાના કમિશનર ગાંધીએ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સાથે બેઠક યોજી આ બાબતે આગામી ૧પ દિવસની અંદર યોગ્ય કાર્યવાહી અને પગલાં લેવાશે તેવી ખાત્રી આપતા આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કમિશનર પ્રેસ મીડિયા સમક્ષ ખાત્રી આપે, ત્યારબાદ કમિશનરે પ્રેસ મીડિયા સમક્ષ પણ ખાત્રી આપી હતી કે, ૧પ દિવસની અંદર કાર્યવાહી કરાશે. ત્યારબાદ આમરણાંત ઉપવાસ પર બેઠેલા કોંગ્રેસના આગેવાનોએ શરબત પીવડાવી પારણા કરાવવામાં આવ્યા હતા.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગૌરીશંકર સરોવર-બોરતળાવ ઉપર આવેલી ડૂબની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે. ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે, ત્યાં મોટા માથાઓના અને આર્થિક રીતે સદ્ધર લોકોના પાકા બાંધકામ છે તેની સામે કોંગ્રેસે તંત્રની આવી બેધારી નીતિ સામે આંદોલન શરૂ કર્યું છે. આજે કોંગ્રેસના આગેવાનોના આમરણાંત ઉપવાસ સમેટી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મ્યુનિ. વિપક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ, માજી નગરસેવકો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ સહિતના જુદા-જુદા સંગઠનના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર :- ફૈજલ કાઝી, ભાવનગર)