કાનૂનવિદ અને પ્રખર માનવ અધિકાર કાનૂનશાસ્ત્રી જસ્ટિસ હોસબેટ સુરેશ માત્ર આપણા દિલમાં જ નહીં પરંતુ તેમના કાર્યોમાં ખાસ કરીને નિવૃત્તિ બાદના તેમના કાર્યોમાં સદાય રહે છે. તેમણે શ્રેણીબદ્ધ સત્યશોધક મિશનમાં, લોકોની ટ્રીબ્યુનલ અને જાહેર સુનાવણીમાં અવાજ વિહોણાઓનો અવાજ બુલંદ કર્યો છે અને શોષિત અને કચડાયેલા લોકોને પણ ન્યાય સુધીની પહોંચ સુનિશ્ચિત કરી છે.
જુલાઇ, ૨૦ના રોજ તેમના જન્મદિને સિટિઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ (સીજેપી) દ્વારા આ તમામ ટ્રીબ્યુનલ અને જાહેર સુનાવણીના તેમના રિપોર્ટનો એક અભિલેખ એટલે કે રેકોર્ડ (આર્કાઇવ) તૈયાર કરવાની કામગીરી લોંચ કરી છે. તેમાં ડિસે.૧૯૯૨-જાન્યુ.૧૯૯૩ના રમખાણો, રામબાઇનગર ખાતે જુલાઇ, ૧૯૯૭ના પોલીસ ગોળીબાર અને ગુજરાતના ૨૦૦૨ના નરસંહાર તેમજ અન્ય ઘટનાઓમાં હાથ ધરાયેલી તપાસના રિપોર્ટનો આ દફ્તરમાં સંગ્રહ કરવામાં આવશે.
આ અભિલેખ એટલે કે દફ્તર તૈયાર કરવા પાછળનો હેતુ સમજાવતાં સીજેપીના સેક્રેટરી અને માનવ અધિકાર કર્મશીલ તિસ્તા સેતલવાડે જણાવ્યું હતું કે અધિકારોના કાયદાશાસ્ત્રના સક્ષમ અને સક્રિય આર્કાઇવ સુનિશ્ચિત કરતાં આ મહાનુભાવને અન્ય કોઇ મોટી અને કાયમી કદર હોઇ શકે નહીં. તેમણે પોતાના ગુરુ તરીકે જસ્ટિસ ક્રિષ્ના અય્યરને રાખીને સેંકડો માનવ અધિકાર કર્મશીલો સાથે અગ્રીમ કામગીરી કરી છે. તેમના માટે ન્યાય એટલે સમાજના સૌથી છેવાડાના અને વંચિત વર્ગોને ન્યાય સુનિશ્ચિત કરવો અને ગૌરવભેર જીવન જીવવાના અધિકારના મૂલ્યોને કાયમી સિદ્ધાંત બનાવવા, જાહેર શિક્ષણ ગૌરવભેર જીવન જીવવા માટે વેતનથી લઇને વંચિત તટીય સમુદાયોની આજીવિકા સુધી પહાેંચ બનાવવી તેમજ ભારતની ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ સરકાર લક્ષીત હિંસા સામે જસ્ટિસ હોસબેટ સુરેશે નેતૃત્વ લઇન યોગ્ય દિશા સૂચન કર્યુ હતું. સીજેપીને આ પહેલ માટે માનવ અધિકાર રક્ષકો તરફથી પ્રોત્સાહક સંદેશ મળ્યાં છે. ભારતની લોખંડી મહિલા તરીકે જેમને બિરદાવવામાં આવે છે એવા કર્મશીલ ઇરોમ શર્મિલાએ અન્યાય સામે પોતાની આંખો ખોલવા માટે જસ્ટિસ હોસબેટ સુરેશને યશ આપતાં જણાવ્યું હતું કે જસ્ટિસ હોસબેટ સુરેશના વડપણ હેઠળ લોકોના સત્યશોધક ન્યાયિક આયોગ પર આધારીત ઇન્ટર્નશીપમાં ભાગ લીધા બાદ જ મને મારા વતન રાજ્ય મણિપુરમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (અફ્સ્પા)ના કારણે માનવ અધિકાર ભંગની વાસ્તવિક સ્થિતિથી હું વાકેફ થઇ હતી.
મહિલા અધિકારી કર્મશીલ ક્વેલિયા અજ્ઞેશે જણાવ્યું હતું કે તેમણે જે રિપોર્ટ લખ્યા છે તે બધાનો ભાવિ પેઢી માટે અભિલેખાકાર તૈયાર કરવામાં આવશે તો તેઓ ઓનલાઇન આર્કાઇવ શૈક્ષણિક સ્તરે અથવા તો કર્મશીલ તરીકે માનવ અધિકાર સાથે સંકળાયેલા તમામને તેની સરળ પહોંચ પ્રાપ્ત થશે. જસ્ટિસ સુરેશનું જીવન અને કાર્યો ભાવિ પેઢી માટે આશાના કિરણ તરીકે પુરવાર થશે કે જેમને આજે આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ તેનાથી પણ વધુ પડકારરૂપ સ્થિતિમાં કામ કરવું પડશે.
સિનિયર એડવોકેટ મિહીર દેસાઇએ જણાવ્યું હતું કે સિટિઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ જસ્ટિસ સુરેશના નિવૃત્તિ પશ્ચાતના દસ્તાવેજનો સંચય કરીને એક આર્કાઇવ ઊભો કરી રહેલ છે તે ખરેખર અત્યંત સરાહનીય છે. દિવંગત જસ્ટિસ સુરેશ માટે પોતાની પ્રશંસા વ્યક્ત કરતાં એડવોકેટ દેસાઇએ જણાવ્યું હતું કે જસ્ટિસ સુરેશ નિવૃત્તિ બાદ આમજનતાના માણસ તરીકે ઓળખાતા હતા. જ્યારે પણ માનવ અધિકાર ઉલ્લંઘનનો મામલો સામે આવતો હતો ત્યારે તેઓ સ્વયંને તેમાં સંપૂર્ણપણે ગહનતાથી ઉતારીને સત્યશોધક મિશન પીપલ્સ ટ્રીબ્યુનલમાં ભાગ લેતાં હતાં અને કાશ્મીર, મણિપુર, તામિલનાડુ સહિત દૂરના સ્થળો સુધી ઉત્સાહભેર પ્રવાસ કરતાં હતાં. તેઓ માનવ અધિકાર ભંગના પીડિતોને પ્રત્યક્ષ રીતે મળતાં હતા અને તેમની સાથે સહાનુભૂતિ અને અનુકંપાથી વાત કરતાં હતાં.
જસ્ટિસ સુરેશે માનવ અધિકારના સિદ્ધાંતોને કઇ રીતે નવો આયામ આપ્યો તે અંગે પ્રકાશ ફેંકતા લોકરાજ સંગઠનના સંજીવની જૈને જણાવ્યું હતું કે જસ્ટિસ સુરેશ જીવન જીવવાના અધિકારના રક્ષક હતાં અને તેઓ હંમેશા આગ્રહ રાખતાં હતાં કે લોકોને સેનિટેશન, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા, વીજળી ઉપરાંત આહાર, કપડાં અને આશ્રય સાથે ગૌરવભેર જીવન જીવવાનો અધિકાર મળે. અમે આ પહેલમાં જસ્ટિસ હોસબેટ સુરેશના પરિવાર તરફથી સાંપડેલ સહયોગ બદલ તેમના આભારી છીએ. માનવ અધિકાર રક્ષકો અને કાનૂનવિદો તરફથી હજુ પણ અમને પ્રોત્સાહક સંદેશાઓ મળી રહ્યાં છે જેમાં સિનિયર એડવોકેટ ગાયત્રીસિંહ, કર્મશીલ જ્હોન દયાલ, કોસ્ટલ એક્શન નેટવર્ક, સીઆઇઇડીએસ કલેક્ટીવ અને અન્ય ઘણાનો સમાવેશ થાય છે. આજે આ એક માત્ર શરુઆત કરવામાં આવી છે. અમે આગામી મહિનાઓમાં વધુ સંસાધનો કામે લગાડવાનું ચાલુ રાખીશું અને પ્રાદેશિક ભાષામાં પણ આ વિષયવસ્તુ ઉપલબ્ધ બને તેવું કરીશું. અમે આશા રાખીએ છીએ કે આ આર્કાઇવ સીજેપી અને માનવ અધિકાર કર્મશીલોને જસ્ટિસ હોસબેટ સુરેશના પદચિહ્નો પર માત્ર ચાલવા જ નહીં પરંતુ તેમણે જે પહેલ કરી હતી તે રીતે કાયદાશાસ્ત્રને વધુ વિકસાવવા પ્રેરણા આપશે.
– સીજેપી ટીમ (સૌ. : સબરંગ ઈન્ડિયા)