(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૨
ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દિલ્હી-નિઝામુદ્દીન વિસ્તારમાંથી પરત આવેલા ૧૪ લોકોને પોતાના પરિવારના ૮૪ સભ્યોને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા છે પરંતુ હોમ કવોરન્ટાઇન કરવામાં આવેલા લોકોના જણાવ્યા મુજબ રાજપારડી નગરના કોઇપણ વ્યક્તિએ નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ તબલીગ મરકઝની મુલાકાત લીધી નથી, પરંતુ તેની આવેલ હજરત નિઝામુદ્દીન બાવા સાહેબની દરગાહ શરીફની મુલાકાત લઇને દર્શન કરવા ગયા હતા. આરોગ્ય વિભાગ તેમજ પોલીસ દ્વારા તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે હાલતો હોમ કવોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડી ગામના કેટલાક યુવાનો યુ.પી. સ્થિત એક દરગાહ શરીફના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા, ત્યાંથી પરત દિલ્હીના હજરત નિઝામુદ્દીનબાવા સાહેબની દરગાહના દર્શન કરવા ગયા હતા અને પરત રાજપારડી પોતપોતાના ઘરે આવી ગયા હતા. રાજપારડી નગરના યુવાનો જે સમયે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં હતા ત્યારે દેશમાં કોરોના વાયરસે દસ્તક આપી હતી અને હાલમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં કેટલાક લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા છે ત્યારે દેશના આરોગ્ય સહિતના તંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે. આજ સમયે રાજપારડી યુવાનોએ પણ યુ.પી.થી પરત નિઝામુદ્દીન બાવા સાહેબની દરગાહ શરીફના દર્શન કરવાની વાતો આરોગ્ય વિભાગ તેમજ રાજપારડીની પોલીસને થતા પી.એસ.આઇ.જે.બી.જાદવ તેમજ આરોગ્ય વિભાગના સુપર વાઇઝર,પી.એચ.સી.ના મોઇન મલેક ડોક્ટરોની ટીમે સોમવારની રાત્રિએ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારની મુલાકાત લેનારા તમામ યુવાનોના મકાનો શોધી જહેમત ઉઠાવી મંગળવારની વહેલી સવાર સુધી ૧૪ લોકોના પરિવારના ૮૪ સભ્યોને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇનમાં મૂક્યા છે. ઘટના સંદર્ભમાં અંકલેશ્વરથી ડી.વાય.એસ.પી. પણ તપાસ અર્થે મધ્યરાત્રિએ રાજપારડી દોડી આવ્યા હતા. જોકે આરોગ્ય વિભાગના ડોક્ટરો દ્વારા તમામ લોકોનું થર્મલ થર્મોમીટર દ્વારા સ્ક્રીનિંગ કરાતાં તમામ લોકોના શરીરનું તાપમાન નોર્મલ આવતા તંત્રને પણ હાશકારો થયો હતો.