(સંવાદદાંતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
કોરોનાના કહેરના લીધે રાજ્યમાં લૉકડાઉન દરમિયાન વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું, પ્રતિબંધિત ચીજ-વસ્તુઓનું વેચાણ કરવું, બિનજરૂરી રીતે બહાર ફરવા જેવા બનાવો પકડવામાં આવી રહ્યા છે. લૉકડાઉનમાં અગાઉ વાહન પકડાયું હશે, તેવા લોકો ફરી વખત બહાર આવશે અને કારણ વગર ફરશે તો તેનું વાહન પુનઃ જપ્ત કરાશે. એ જ રીતે ટુ વ્હીલર પર એકથી વધુ લોકો અને ફોર વ્હીલરમાં બેથી વધુ લોકો મુસાફરી કરતા પકડાશે તો પણ તેની સામે કાર્યવાહી કરાશે. ધાર્મિક સ્થાનો પર એકત્ર ન થવા અગાઉ અપીલ કરાઈ છે, તેમ છતાંય ગઈકાલે અમદાવાદના સાબરમતી ખાતે એક મંદિરમાં આરતી માટે લોકો ભેગા થતાં પૂજારી સહિત આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, એમ ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. વધુમાં ડીજીપીએ ઉમેર્યું હતું કે, લૉકડાઉનમાંથી જેને મુક્તિ આપવામાં આવી છે, તેવા વાહનો અથવા વ્યક્તિઓ મુક્તિનો દુરૂપયોગ ન કરે તે માટે પણ પોલીસ સતત નજર રાખી રહી છે. મુક્તિ અંગેના જે પાસ તંત્ર દ્વારા અપાયા છે, તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે એક કન્ટેનરમાં ૧૦૫ શ્રમિકોને બેસાડીને રાજકોટથી અન્ય રાજ્યમાં લઇ જવાતા હતા. જેમાં મેડિકલ સપ્લાય કરવાના પાસની આડમાં માણસોની હેરાફેરી થતી હોવાનું જણાતા તે કન્ટેનરના માલિક સામે ગુનો નોંધી વાહન જપ્ત કરાયું છે અને મોકલનારને પણ ગુનામાં સામેલ કરાશે. એ જ રીતે રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે પાલનપુર હાઈવે ઉપરથી અંદાજે રૂપિયા એકાવન લાખનો દારૂ ભરેલું કન્ટેનર પકડવામાં આવ્યું છે, જે વાહન પર કોરોના સંક્રમણ અંગેની ઈમરજન્સી સેવાઓ માટેનું ખોટું સ્ટીકર તથા રાજસ્થાન પોલીસનો એક પત્ર આધાર બનાવીને ઇમરજન્સી સેવાની આડમાં દારૂની ગેરકાયદેસરની હેરાફેરી પકડી પાડવામાં આવી છે, તેની સામે પણ ગુનો નોંધાયો છે, જ્યારે રાજકોટ ખાતે પણ બે વ્યક્તિઓ કે જે ખોટા પાસ બનાવીને આંતર જિલ્લા મુસાફરી કરાવવાનો પ્રયાસ કરતાં હતાં તેમની સામે પણ ગુનો નોંધાયો છે. લૉકડાઉનમાં આંશિક છૂટછાટ આપવાના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આવતીકાલથી કરિયાણા અને શાકભાજીના વેચાણ માટેની છૂટ આપવામાં આવી છે, તેવી જ રીતે કેટલાક જિલ્લાઓમાં ઉદ્યોગો પણ શરૂ થઈ રહ્યા છે, ત્યારે લોકો કોરોનાના સંક્રમણથી બચવા કાળજી રાખે તેમ જણાવી ડીજીપી ઝાએ કહ્યું કે, આંશિક છૂટછાટ દરમિયાન નાગરિકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે એ અત્યંત જરૂરી છે અને માસ્ક તથા હેન્ડસેનિટાઈઝરનો અવશ્ય ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. લોકોની ભીડ હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોય, ત્યાં પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. નાગરિકો તરફથી પોલીસ કન્ટ્રોલ રૂમના ૧૦૦ નંબર ઉપર લોકોની ભીડ હતી કે, સોશિયલ ડિસ્ટન્સિંગ ન થતું હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે ગઈકાલે ૩૬ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના સંક્રમણને વધુ ફેલાતો રોકવા માટે લૉકડાઉન દરમિયાન જે પ્રતિબંધો લગાવાયા છે, તેનું ચુસ્ત પાલન કરાવવા પોલીસ સતત વોચ રાખી રહી છે. નિયમ વિરૂદ્ધ કે કાયદા વિરૂદ્ધના કૃત્યો જે લોકો કરશે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. એટલે નાગરિકોને પોતાના તથા અન્યના સ્વાસ્થ્યનું જોખમ ઊભું ન થાય તેવી પ્રવૃત્તિ ન કરવા તેમણે અપીલ કરી છે.
દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ જરૂરી

Recent Comments