નવી દિલ્હી, તા.૨૮
લોકડાઉન સમાપ્ત થયા પછી પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમત જૂનમાં ૫ રૂપિયા સુધી વધી શકે છે. તેનું કારણ એ છે કે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ લોકડાઉન પછી ફરીથી દૈનિક ધોરણે બળતણના ભાવમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. દેશમાં કોરોના સંક્રમણ પછી લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ દૈનિક ધોરણે બદલાતા નથી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગયા અઠવાડિયે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને લોકડાઉન થયા પછી દૈનિક ધોરણે બળતણના ભાવો નક્કી કરવા માટેનો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
જો કે, એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, દૈનિક ધોરણે બદલાવ હોવા છતાં, પેટ્રોલ અને ડીઝલની કિંમતો ચોક્કસ મર્યાદાથી વધશે નહીં. આનો અર્થ એ કે બળતણના ભાવમાં દરરોજ ૨૦થી ૪૦ પૈસા અથવા તેથી ઓછા વધારો થશે નહીં. કંપનીઓ થયેલા નુકસાનની ભરપાઇ નહીં કરે ત્યાં સુધી આ વધારો રહેશે. હાલમાં રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂા. ૭૧.૨૬ અને ડીઝલ રૂા. ૬૯.૩૯ પ્રતિ લિટર મળી રહ્યું છે. અમદાવાદમાં પેટ્રોલ રૂા. ૬૭.૧૭ અને ડીઝલ રૂા. ૬૪.૧૯ પર વેચાઈ રહ્યું છે.