અમદાવાદ, તા.૧૮
શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધને અચાનક લકવો થતાં અડધુ શરીર બેકાર થયું હતું. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ૭ર વર્ષીય વૃદ્ધ મહંમદભાઈ અને તેમના પરિવારને પહેલાં તો સિવિલના વહીવટનો કડવો અનુભવ થયો હતો. ત્યારબાદ સિવિલ તંત્રએ મહંમદભાઈને રજા લઈ ઘરે જવા કહ્યું અને ઘરે આવ્યા બાદ તેમનું મોત થયું હતું, તેવો આક્ષેપ પરિવાજનોએ કર્યો હતો.
શરૂઆતમાં તો સિવિલે તમારા સગા અહીં દાખલ નથી તેવું રટણ જ પરિવાર સામે ચાલુ રાખ્યું હતું. અનેક પ્રયાસો બાદ લગભગ ત્રણ દિવસ પછી પરિવારજનોને દર્દીની જાણ થઈ હતી. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં સિવિલ તંત્રએ દર્દી સાથે સગાઓની મુલાકાત કરાવી ન હતી, એટલુ જ નહીં તેમના આરોગ્ય અંગે પણ કોઈ જ પ્રકારની માહિતી આપવામાં આવી ન હતી.
અડધા શરીરે લકવો થતાં દરિયાપુરના ૭ર વર્ષીય મહંમદભાઈને ગત સાતમી મેના રોજ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૧૪મી મેના રાત્રે સિવિલ તંત્રએ દર્દીના સગાને ફોન કરી રજા લઈ ઘરે જવા કહ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે, સાતમીએ દાખલ થયા બાદ અમે તેમને ૧૪મીએ રાત્રે જોયા.
ત્યારે તેમની તબિયત વધુ ખરાબ લાગતી હતી અને વધુ નબળાઈ આવી ગઈ હતી. પરિવારે તેમને ૧૬મીએ બપોરે ખાનગી હોસ્પિટલમાં બતાવવાનું નક્કી કર્યું પણ ૧૬મીએ વહેલી પરોઢિયે વૃદ્ધનું અવસાન થઈ ગયું હતું.
પરિવારે વધુમાં આરોપ લાગાવ્યો હતો કે, સિવિલ તંત્રએ દર્દીને ઘરે લઈ જવા એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી આપી ન હતી અને કહ્યું હતું કે, પોતાની રીતે વાહનની વ્યવસ્થા કરી લો.