(એજન્સી) જાકાર્તા,તા.૩
ઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુ પર પોર્ટની આસપાસ દરિયામાં ભારે ઓઇલ ફેલાયા અને આગ ફાટી નીકળ્યા બાદ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આગમાં ચાર લોકો માર્યા ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ બાલિકપાપન પોર્ટ સિટીમાં આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા છે પરંતુ ઓઇલ ફેલાતા અટકાવવા માટે અધિકારીઓ હજી પણ કામગીરી કરી રહ્યા છે. શનિવારે દરિયામાં ઓઇલ ઢોળાવાની શરૂઆત થઇ હતી અને આશરે ૧૨ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ઓઇલ ફેલાઇ ગયું હતું.
શહેરની પર્યાવરણ એજન્સીના વડા સુરિયાન્તોએ જણાવ્યું કે આગ ફાટી નીકળી શકે એવી પ્રવૃત્તિઓ નહીં કરવાની લોકોને ચેતવણી આપવામાં આવી છે. સરકારી એનર્જી કંપની પર્ટામિના ઇન્ડોનેશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીઓમાંની એક રિફાઇનરી છે.બાલિકપાપન એક મોટું માઇનિંગ અને એનર્જી હબ છે. કંપનીએ જણાવ્યું છે કે ક્યાંથી ઓઇલ લીક થયું છે, તેની તપાસ કરવામાં આવી રહી છે અને દરિયાના આ વિસ્તારમાં આવેલી કંપનીની ઓઇલની પાઇપ લાઇનમાં કોઇ લીક થયું નથી. જોકે, આ ઓઇલ લીકેજથી કંપનીની કામગીરીમાં કોઇ અવરોધ ઉભો થયો નથી. કામગીરી ચાલુ છે.