(એજન્સી) નવી દિલ્હી,તા.૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળોને નિશાને લેતા તેમની પાસે મોદી હટાવો અભિયાન સિવાય કોઈ કામ નહીં હોવાનું જણાવ્યું હતું. તેનો જવાબ આપતા કોંગ્રેસે વળતો પ્રહાર કરતા આકરા શબ્દોનો ઉપયોગ કરીને કહ્યું છે કે દેશનો દરેક વર્ગ પીએમ મોદીના સત્તાના ઘમંડ સામે ઉભો થયો છે અને સાચા અર્થમાં આ જ વડાપ્રધાનનો વિપક્ષ છે.
કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે મોદી કહે છે કે વિપક્ષની પાસે મોદી હટાવો સિવાય કોઈ મુદ્દો નથી આ બિલકુલ સાચુ છે. પરંતુ પીએમનો વિપક્ષ આખરે છે કોણ? તેઓ કરોડો ખેડૂતો જેમનો પાકના ભાવના નામે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. તે વિપક્ષ દલિત છે. જેમણે અત્યાચારનો સહન કર્યા છે. સૂરજેવાલાએ કહ્યું છે કે આખરે વિપક્ષ કોણ છે ? તો પીએમનો વિપક્ષ છે મહિલાઓ અને બાળકો જેઓ અસુરક્ષા અનુભવી રહ્યા છે. બેરોજગારીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા યુવાનો અને જીએસટી તથા નોટબંધીથી બરબાદ થયેલા નાના તથા મધ્યમ કારોબારીઓ પીએમ મોદીનો વિપક્ષ છે.