(એજન્સી) વફા ન્યુઝ, તા.૯
પેલેસ્ટીનિયન ઓથોરિટીના વડાપ્રધાન મોહંમદ શાતાય્યેહે ઇઝરાયેલની વેસ્ટ બેંકમાં સતત વધતી જતી ઇઝરાયેલી વસાહતોની આલોચના કરી હતી. વફા ન્યુઝ એજન્સીએ સમાચારો આપ્યા હતા. એમણે રામલ્લાહમાં કેબિનેટની પ્રથમ બેઠકમાં કહ્યું કે દરેક વસાહતીઓ આપણી જમીન પોતાની સાથે જોડવાની યોજના બનાવી રહ્યા છે.
એમણે ઇઝરાયેલ દ્વારા કબજે કરાયેલ વેસ્ટ બેંકમાં ફક્ત યહુદીઓ માટેની વસાહતોમાં નવા ૨૫૦૦ વસાહતી એકમો માટે અપાયેલ પરવાનગીને વખોડી કાઢી હતી. એ પછી એમણે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
દરમિયાનમાં શાતાય્યેહે પેલેસ્ટીન ઉપર અમેરિકા- ઇઝરાયેલના સંયુક્ત દબાણને વખોડી કાઢ્યું હતું અને કહ્યું કે આ કવાયત ટ્રમ્પને ફરીથી અમેરિકામાં ચૂંટણીઓ જીતાડવા માટે કરવામાં આવી રહી છે. એમણે કહ્યું કે આ દબાણનું બાષ્પીભવન થઇ જવાનું છે. એમણે પોતાના સાથી આરબ દેશોને કહ્યું કે તેમણે ઇતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ.
વડાપ્રધાને કહ્યું કે આર્થિક પ્રતિબંધો અને દબાણોના લીધે અમે હજુ સુધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ. જેનાથી અમારું કાર્ય ખોરવાઈ ગયું છે. એમણે અલ-ક્વેડ્‌સ હોસ્પિટલ માટે ૪૫ મિલિયન શેક્લ લોનની જાહેરાત કરી હતી. જે અમેરિકા વહીવટ દ્વારા અપાતા નાણામાં કાપ મુકવાથી અમારે કરવું પડ્યું છે.
એમણે સઉદી ઇન્ટેલીજેન્સના પૂર્વ વડા દ્વારા પેલેસ્ટીની નેતાગીરી સામે થતી આલોચનાનો સંદર્ભ આપી જણાવ્યું કે પેલેસ્ટીનના મુદ્દા બાબતે ખોટા પ્રચારો કરવામાં આવી રહ્યા છે. હમાસના અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારનો પ્રચાર કોઈને લાભ કરનાર નથી, સિવાય કે ઇઝરાયેલને.