(એજન્સી) બગદાદ, તા. ૮
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના ફેલાવાને પગલે એવા સમાચારો આવી રહ્યા હતા કે, આ વર્ષે અરબૈન માર્ચને રદ કરવામાં આવશે પરંતુ કરબલાના ગવર્નરે કહ્યું છે કે, અમે અરબૈનના અવસરે સમગ્ર વિશ્વમાંથી ૧૦ લાખથી વધારે ઝાયરિનોના સ્વાગત માટે તૈયાર છીએ. કરબલાના ગવર્નર કોરોનાના ફેલાવાને રોકવા માટે મોહર્રમના પ્રાથમિક ૧૦ દિવસોમાં જ કરબલા શહેરને ક્વોરન્ટાઇન કરી દીધું હતું અને અન્ય શહેરોના ઝાયરિનોને આ પવિત્ર શહેરમાં પ્રવેશવાથી રોક્યા હતા. આ વખતે પોતે માસ્ક લગાવીને ઇમામ હુસૈન(રદી.)ના પવિત્ર હરમમાં ગયા હતા અને તેમણે અન્ય ઝાયરિનો સાથે અઝાદારી કરી હતી. કરબલાના ગવર્નરે પોતાના નવા નિર્ણયમાં કહ્યું છે કે, અરબૈનના પ્રસંગે કરબલા માત્ર ઇરાકના ઝાયરિનો માટે જ નહીં પરંતુ દુનિયાભરના અન્ય ઝાયરિનો માટે પણ ખોલી દેવાશે. આ પહેલા પવિત્ર શહેર કરબલાને કોરોનાના ફેલાવાથી બચાવવા માટે અનેક વખત ક્વોરન્ટાઇન કરી દેવાયું હતું. ઇરાકના અન્ય સરકારી અધિકારીઓએ અત્યારસુધી અરબૈન માર્ચના આયોજન અંગે સત્તાવાર રીતે કોઇ ઘોષણા કરી નથી. ઇરાનના અધિકારીઓએ આ પહેલા કહ્યું હતું કે, આ વર્ષે અરબૈનના કાર્યક્રમ રદ કરાયા છે. રાષ્ટ્રપતિ રૂહાનીએ પણ જણાવ્યું હતું કે, અરબૈનના ઝાયરિનોના સ્વાગત માટે ઇરાકની સ્થિતિ યોગ્ય નથી અને આ વર્ષે અરબૈનની ઝિયારતની યાત્રા નહીં થાય. કરબલાના ગવર્નરની ઘોષણા બાદ હવે ઇરાક તથા ઇરાનના અધિકારીઓના વલણની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન ઇરાકના કેટલાક શહેરોમાં અરબૈન માર્ચ શરૂ થઇ ગઇ છે અને કેટલાક ક્ષેત્રોમાં લોકો ૮૦૦ કિલોમીટર પગપાળા ચાલીને અરબૈનમાં કરબલા પહોંચવા માટે અત્યારથી પોતાના ઘરોમાંથી નીકળી પડ્યા છે.