અમદાવાદ,તા. ૯
અમ્યુકોના બજેટમાં મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસે રૂ.૧૫૧ કરોડના વિકાસ કામોના સૂચવેલા સુધારાઓમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પરત્વે પણ શાસક પક્ષ ભાજપ પાસે માંગણી કરી છે તો સાથે સાથે વિપક્ષે તળાવોના વિકાસ, શહેરની ટ્રાફિક અને પાર્કિંગની વિકટ સમસ્યા સહિતના મુદ્દાઓને લઇ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ જણાવ્યું હતું કે, શાસક પક્ષ દર વર્ષના બજેટમાં શહેરના તળાવોના વિકાસ કરવાના ફુલગુલાબી સપના શહેરીજનોને બતાવે છે પરંતુ વાસ્વતમાં તળાવોના વિકાસના કોઇ કામો જ થતા નથી, તેના તાજા દાખલા વસ્ત્રાપુર લેક અને ચંડોળા તળાવના છે. એટલું જ નહી, ૨૦૦૨માં કેન્દ્ર સરકાર દ્વારા લેક ઓથોરીટી ઓફ ઇન્ડિયાની રચના કરી મહત્વની નીતિ અખત્યાર કરી હતી પરંતુ દેશના અન્ય શહેરોએ તો આ યોજનાનો લાભ લઇ લેક ઓથોરીટીની રચના કરી તળાવોના વિકાસ કાર્યો પણ હાથ ધર્યા છે, જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ સુધી લેક ઓથોરીટીની રચના જ કરવામાં આવી નથી, તો તળાવોના વિકાસની વાત જ કયાં રહે છે. દર વર્ષે બજેટમાં તળાવોના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે પરંતુ જો તળાવોના વિકાસ કામો થતાં જ નથી તો આ કરોડો રૂપિયા જાય છે કયાં તે પણ એક ગંભીર સવાલ છે, જેનો જવાબ શાસકપક્ષ ભાજપે શહેરીજનોને આપવો જોઇએ. મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૦૨માં કેન્દ્ર સરકારે લેક ઓથોરીટી ઓફ ઇન્ડિયાની રચના કરી રૂ.૫૬૮ કરોડની ફાળવણી કરી દેશના તળાવોને વિકાસ કરવા ૭૦ ટકા રકમ કેન્દ્ર ભોગવે અને ૩૦ ટકા રકમ રાજય સરકાર ભોગવે તેવી નીતિ નક્કી કરી હતી.
સને ૨૦૦૬ સુધીમાં દેશના ૪૨ તળાવો મંજૂર કરાયા હતા, તેમાં હૈદ્રાબાદ, નૈનિતાલ, રાજસ્થાન, બેંગ્લોર, પુણે, જમ્મુ-કાશ્મીર અને ચીલીકા લેક ઓથોરીટી ઓફ ઇન્ડિયાની રચના કરી તળાવોના ડેવલપમેન્ટ પ્રોજેકટ મૂકાયા હતા અને મોટાભાગના તળાવોના વિકાસ કાર્યો પૂરા પણ થઇ ગયા છે પરંતુ અમદાવાદ શહેરમાં એએમસી કે રાજય સરકાર દ્વારા તળાવના વિકાસનો એક પણ પ્રોજેકટ સાચા અર્થમાં ચરિતાર્થ કરાયો નથી જે શરમજનક બાબત છે. દર વર્ષે બજેટમાં તળાવોના વિકાસ માટે મોટી મોટી જાહેરાતો અને પ્રચાર પ્રસિધ્ધિ શાસક પક્ષ દ્વારા થાય છે અને કરોડો રૂપિયાની ફાળવણી પણ થાય છે પરંતુ પરિણામ શૂન્ય જ છે. અમ્યુકો દ્વારા લેક ઓથોરીટી ઓફ ઇન્ડિયાની નીતિ અન્વયે શા માટે ગ્રાંટ મેળવાતી નથી અને તળાવોના વિકાસ પ્રોજેકટ હાથ ધરાતા નથી. દર વર્ષે બજેટમાં ફાળવાતા આટલા કરોડો રૂપિયા જો તળાવોનો વિકાસ થતો નથી તો, જાય છે કયાં તે પણ જાણવાનો શહેરીજનોને પૂરો અધિકાર છે. શાસક પક્ષ ભાજપના અણઘડ વહીવટનો નમૂનો અને તાજા ઉદાહરણ છે શહેરના વસ્ત્રાપુર તળાવ અને ચંડોળા તળાવ. આ બંને તળાવોને વિકાસ કરવાની શાસકપક્ષ ભાજપની ગુલબાંગો છેલ્લા કેટલાય વર્ષોથી ટલ્લે ચઢી છે અને છતાં હજુ માત્ર દેખાડા ખાતર અને સસ્તી પ્રસિધ્ધિ માટે વિકાસની જાહેરાતો કર્યે રાખે છે પરંતુ વાસ્તવિક અમલીકરણ દેખાતુ નથી, જે બહુ શરમજનક વાત કહી શકાય. મ્યુનિ.વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ તાકીદે અમ્યુકો દ્વારા લેક ઓથોરીટીની રચના કરી સાચા અર્થમાં તળાવોના વિકાસ પ્રોજેકટ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી.