રાજ્યમાં આદિવાસી હક્કો માટે લડત આપતા એક કાર્યકરે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરીને રાજ્યમાં આદિવાસીઓ અને દલિતોના હક્કોના રક્ષણ માટે દાદ માંગી હતી. આ ઉપરાંત ‘ધ વાયર’ વેબસાઈટ દ્વારા આમિત શાહના પુત્ર જય શાહ બાબતે લખેલા અહેવાલ બાદ તે અહેવાલ કે તેને લગતી બાબતો માટે કોઈ અહેવાલ પ્રગટ કરવા પર મીડિયાને મનાઈ આપતા હાઇકોર્ટના હુકમને સુધારીને મનાઈ હટાવી લેવાની પણ માગણી કરાઈ છે. આ બાબતે હાઇકોર્ટ આવતીકાલે સુનાવણી હાથ ધરીને નિર્ણય લેશે. રાજેશ ભાભોર નામના આદિવાસી કાર્યકરે એક પિટિશન કરીને રજુઆત કરી હતી કે તેઓ આદિવાસી હક્કોના રક્ષણ માટે કામ કરે છે અને રાજ્ય બહાર પણ અનેક લોકો તેની સાથે સંકળાયેલા છે. કર્ણાટકમાં હાલમાં ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે અનેક લોકોએ રાજ્યમાં હાલમાં ભાજપના શાસન હેઠળ આદિવાસી અને દલિતોની સ્થિતિ બાબતે પૃચ્છા કરતા તેઓએ અનેક યુવાનોના મત લીધા હતા તેમાં જાણવા મળ્યું હતું કે રાજ્યમાં આદિવાસી અને દલિતોના વાણી સ્વાતંત્ર્યના અધિકારો પર તરાપ વાગી રહી છે. આ ઉપરાંત અન્ય રાજ્યોની ચૂંટણી માં દલિતો અને આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટીને મત આપે કે કેમ તે અંગે પૂછાતા પ્રશ્નો વિષે પણ આદિવાસી અને દલિતો અન્ય રાજ્યોમાં ચર્ચા ન કરી શકે તેવી સ્થિતિ પેદા થયેલી છે. આથી તેઓને તેમના હકકોનું રક્ષણ મળવું જોઇએ. જય શાહ વિશે વેબસાઈટ દ્વારા લખાયેલા અહેવાલ બાબતનો ઉલ્લેખ કરતા પિટિશનમાં એવી રજુઆત કરી હતી કે આ બાબતે મીડિયામાં અહેવાલ બાબતે લગાવેલો સ્ટે હટાવી લેવો જોઈએ. તેમને વધુમાં રજુઆત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહના પુત્રની સંપત્તિ હજારો ગણી કઈ રીતે વધી અને અન્ય રાજ્યોમાં જો દલિતો અને આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટીના મત આપે ન તો શું હાલત થશે તેની ચર્ચા પણ ન થઈ શકે તેવી સ્થિતિ પેદા થઈ છે.
આ પિટિશનની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને રાજ્યમાં આદિવાસી અને દલિતોની સ્થિતિ ખરાબ હોવા બાબતે આવતીકાલે સુનાવણી રાખી હતી. જેમાં જય શાહ કેસ બાબતે પણ ચર્ચા થાય તેવી શકયતા છે.