અમદાવાદ, તા.૧૬
ગુજરાતમાં અનુસૂચિત જાતિના ખાસ કરીને દલિતો અને આદિવાસીઓ સાથે આભડછેટ રાખવામાં આવે છે ત્યારે આ આભડછેટને લીધે દલિતોને મંદિરોમાં પ્રવેશબંધી છે ત્યારે ભીમ શક્તિ સેના દલિતો આદિવાસીઓ અને અનુસૂચિત જાતિઓના લોકોને મંદિર જતા રોકવાના વિરોધમાં તા.૧૯ જાન્યુઆરીથી ડીસાથી મંદિર પ્રવેશ આંદોલનની શરૂઆત કરશે. આ અંગે ભીમ શક્તિ સેના પ્રમુખ મનીષ મકવાણા અને પ્રભારી કેવલસિંહ રાઠોડે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૭ મુજબ દેશના તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. છતાંય ભારતમાં અનુસૂચિત જાતિના કરોડો લોકોને તેમના મૌલિક અધિકારથી વંચિત રાખવામાં આવે છે. તા.૮ જાન્યુઆરીએ જ બનાસકાંઠામાં ડીસાના શેરપુરા ગામમાં અનુસૂચિત જાતિના મહેશ પરમાર નામના યુવાનને સુમારપુરી ગૌશાળા મંદિરમાં દર્શન કરવાની પરમિશન આપવામાં આવી નહીં. તેમજ જાતિજાતિનો ભેદભાવ રાખી કોલેજના વિદ્યાર્થીને માર માર્યો હતો. તદ્‌ઉપરાંત ઉનાકાંડના પીડિત બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવાર પર અત્યારસુધી ગામના મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ છે. તેના લીધે આ પીડિત પરિવાર આગામી દિવસોમાં હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવશે. આવી જ રીતે અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ મુદ્દે રાજ્યના ભરૂચ, આણંદ, ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આભડછેટને અને જાતિવાદને ધ્યાનમાં રાખીને સવર્ણો દ્વારા અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશબંધી છે ત્યારે અમે તા.૧૯ જાન્યુઆરીથી અનુસૂચિત જાતિના લોકોને જે મંદિરોમાં પ્રવેશબંધી કરાઈ છે તેવા મંદિરોમાં પ્રવેશનું આંદોલન ચલાવીશું. આ આંદોલનની શરૂઆત ડીસાના શેરપુરા ગામથી કરીશું. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં મંદિર પ્રવેશ આંદોલનને આગળ વધારીશું. એમ મનિષ મકવાણા અને કેવલસિંહ રાઠોડે જણાવ્યું હતું.