(સંવાદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૩
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દલિત અધિકાર મંચ તથા વાલ્મિકી સમાજ : પ્રાંતિજ દ્વારા યુપીના હાથરસ ખાતેના જઘન્ય બનાવના વિરૂદ્ધમાં આજરોજ પ્રાંતિજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. દલિત સમાજની દીકરી ઉપર ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ નિંદનીય ઘટના બાબતે આજે દલિત અધિકાર મંચ પ્રાંતિજ તેમજ સમગ્ર વાલ્મિકી સમાજ પ્રાંતિજ દ્વારા પ્રાંત કચેરી ખાતે જઇને શિરસ્તેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં હાથરસ મુકામે મનિષા નામની દલિત સમાજની દીકરી ઉપર ગેંગરેપ કરીને શરીર ઉપર અસંખ્ય ફ્રેક્ચર કરીને સિતમ ગુજાર્યો હતો. તેણીનાં મોતની ઘટના અને પોલીસની પક્ષપાતિ કાર્યવાહીને પ્રાંતિજના વાલ્મિકી અને દલિત સમાજના લોકોએ સખત શબ્દોમાં વખોડી કાઢીને’ ન્યાય આપો ન્યાય આપો, ભારત કી બેટી કો ન્યાય દો’ જેવા નારાઓ સાથે પ્રાંત કચેરી ખાતે આવી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને તેમની આ લાગણી અને આક્રોશને સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી તો પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે દલિત સમાજના ભાઈઓ/બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં નટુભાઈ બારોટ, ભીખાભાઇ વાણિયા, આર.કે. ચૌહાણ, નૂતનભાઇ, રેખાબેન સોલંકી, વાલ્મિકી સમાજ ગુજરાતના કન્વિનર દર્શન વી. ગોહિલ હિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવા માગણી કરી હતી.
Recent Comments