(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
પાટણ કલેક્ટર કચેરીના પટાંગણમાં એક દલિત યુવકને સરકાર દ્વારા કરવામાં આવેલા અન્યાય પ્રકરણમાં તેણે આત્મવિલોપન કરી નાંખ્યું હતું. જો કેે સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા કોંગ્રેસ એસ.સી. સેલ તથા ડો.બાબા સાહેબ આંબેડકર વિચાર સંવર્ધક સમિતિના કાર્યકર્તાઓએ સુરત જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને એક આવેદનપત્ર સુપરત કરી યોગ્ય તપાસ કરવાની માગણી કરી હતી.
આવેદનપત્રમાં બંને સંગઠનોએ જણાવ્યું હતું કે, જમીન રિગ્રાંટ પ્રક્રિયામાં સરકારી સીસ્ટમનો ભોગ બનનાર અને સતત ન્યાય માટે સંઘર્ષ કરનારા આંબેડકરવાદી અને ફાઈવ કાસ્ટ યુથ ગ્રુપના મંત્રી ભાનુપ્રસાદ વણકરે ગત દિવસોમાં પાટણ કચેરીમાં આત્મવિલોપન કરી નાંખતા સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. ભાનુપ્રસાદ વણકરના બનાવ પરથી ફલિત થાય છે કે, ભાજપ સરકાર દલિતો પ્રત્યે દ્વેષભાવથી કામ કરી રહી છે. જ્યારે ડો.બાબા સાહેબ આંબેડકર વિચાર સંવર્ધક સમિતિના સુરેશ સોનવણેએ પણ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ભારત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. જમીનની રીગ્રાન્ટ પ્રક્રિયા ટલ્લે ચઢાવનારા જવાબદાર અધિકારીઓ સામે સખ્ત પગલા ભરવાની માંગ પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લા દુદખા ગામના હેમાબેન કાંતિભાઈ વણકર અને રામભાઈ ચમારે ચાકરીયાત-પંચાયતની જમીન રીગ્રાન્ટ કરવા છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક આગેવાન ભાનુભાઈ વણકરની આગેવાની હેઠળ લડત ચલાવતા હતા. સર્વે નંબર ૧૦૨૨વાળી જમીનમાં હકારાત્મક અભિપ્રાય રજૂ કરવામાં આવેલો અને તા.૯-૧૦-૨૦૧૩ના રોજ ઠરાવ મુજબ ઉપરોક્ત સર્વવાળી જમીન રીગ્રાન્ટની પાત્રતા ધરાવે છે. માટે રૂ.૨૨,૨૩૬નો સરકારી ચલણ ભરવા છતાં પણ જાતિયવાદી વલણ ધરાવતા સત્તાધીશોએ રીગ્રાન્ટ કરેલી નહીં. છેવટે ગત તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ પાટણ ખાતે આત્મવિલોપન કરવાની લેખિત ચેતવણી આપ્યા બાદ તેમણે પાટણ ખાતે આત્મવિલોપન કરી નાંખ્યું હતું.