મોડાસા,તા.૧૨
ભારે ચકચાર જગાવનાર સાયરા પ્રકરણમાં કેટલી નવી વિગતો સપાટી ઉપર આવી છે. ઉંડી તપાસ બાદ હવે એવો ખુલાસો થયો છે કે, આ કેસમાં પીડિતા સાથે દુષ્કર્મ થયું નથી પરંતુ તેણીએ આત્મહત્યા કરી છે. અરવલ્લી જિલ્લાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય કોલેજીયન યુવતીના કથિત અપહરણ, ગેંગરેપ અને હત્યાના ચકચારભર્યા કેસમાં તપાસ ચલાવી રહેલ સીઆઇડી ક્રાઇમની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા આજે ચોંકાવનારો અને બહુ જ મહત્વનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, આ કેસમાં વૈજ્ઞાનિક ઢબે અને તમામ પાસાઓને ધ્યાનમાં લઇ હાથ ધરાયેલી ઝીણવટભરી તપાસ અને પ્રાપ્ત થયેલા પુરાવા પરથી સ્પષ્ટ થાય છે કે, આ કેસમાં પીડિતા સાથે દુષ્કર્મ થયુ નથી. તેણીએ આત્મહત્યા કરી છે. સીઆઇડી ક્રાઈમના સીટના વડા ગૌતમ પરમારે આજે એફએસએલ અને પોસ્ટમોર્ટમના આધારે થયેલી તપાસ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, એફએસએલ, પીએમ રિપોર્ટ, પુરાવા અને સાક્ષીઓના નિવેદન લેવામા આવ્યા છે. નિવેદનો, ફોન રેર્કોડિંગ અને પુરાવા આધારે પીડિતા સાથે કોઈ દુષ્કર્મ થયું નથી. કોઈ વીર્ય કે લાળ મળ્યા નથી. બીજીબાજુ, સીટ દ્વારા આ કેસમાં દર્શન ભરવાડ અને જીગર ભરવાડને કલીનચિટ્‌ આપી દેવાઇ છે અને આરોપી બિમલ ભરવાડ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો ઉમેરવા સ્થાનિક કોર્ટમાં અરજી કરાઇ છે, જેની સુનાવણી તા.૧૯મી માર્ચે હાથ ધરાશે. સીઆઇડી ક્રાઈમના સીટના વડા ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, સીટની તપાસમાં થયેલા ખુલાસા મુજબ, ગત તા.૧૪-૧૫ ડિસેમ્બરના રોજ પીડિતા આરોપી દર્શન ભરવાડના સંપર્કમાં આવી હતી. ત્યાર પછી બિમલ ભરવાડ અને પીડિતાની બહેન વચ્ચે સંપર્ક થયો હતો. જ્યાં પીડિતા સાથે બિમલે મિત્રતા કરી અને પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ બિમલ પીડિતાને ઘરે અને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. આ દરમિયાન પીડિતાએ બિમલ સાથે રહેવા માટે દબાણ કર્યું હતું. બિમલ પરિણીત હતો. પરંતુ બિમલ તૈયાર ન થતાં પીડિતાએ બિમલને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. ૧ જાન્યુઆરીએ બિમલ પીડિતાને મળ્યો હતો. મોડાસાના બસ સ્ટેન્ડ પર ગાડીમાં બિમલ અને પીડિતા વચ્ચે ઝઘડો થતાં પીડિતાની બહેનને બોલાવી હતી. પીડિતા ફોન લેવા નીચે ઉતરી ત્યારે બિમલ ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. જ્યાંથી પીડિતા મોહનભાઈની રિક્ષામાં સાયરા ગામે ગઈ હતી. પીડિતાએ બહેનને કહ્યું કે બિમલે ઘણી સાથે આવું કર્યું છે. મારી સાથે કરશે તો છોડીશ નહીં. સીટની તપાસમાં ખુલાસો થયો છે કે, પીડિતાનું અપહરણ પણ કરવામાં આવ્યું નથી. ઝાડ પર તપાસ કરતા આરામથી ગળાફાંસો થાય તેવી પરિસ્થિતિ છે. ઝાડની વડવાઈ પર ઘસતા શરીર પર ઇજા થઈ હતી. સાયન્ટિફિક રીતે કોઈ અપહરણ કે દુષ્કર્મ થયું નથી. કલમ-૩૦૬નો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી છે. અન્ય આરોપીનો કોઈ રોલ નથી. નાસતો ફરતો આરોપી સતીશ ભરવાડ કોઈ નથી બિમલ જ છે. પીડિતા ગુમ થઈ તેની તમામ બાબતો હજી તપાસ કરવામાં આવશે. નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની મંજૂરી મળી ગઈ છે.