(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
પાટણ કલેક્ટર કચેરી ખાતે જાહેરમાં દલિત શખ્સ દ્વારા આત્મવિલોપન કરવાના બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલ ભાનુભાઈ વણકરનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં આજે રાજ્યભરમાં રોષ સાથે ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. મહેસાણા-અમદાવાદ હાઈવે, ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે, મોરબી સહિતના વિસ્તારોમાં માર્ગો ચક્કાજામ કરવા સાથે પથ્થરમારો, બસમાં તોડફોડ, ટાયરો સળગાવવા સહિતના વિવિધ બનાવો બનવા પામ્યા હતા. આ ઉપરાંત ઊંઝામાં સજ્જડ બંધ પાળી દેખાવો કરાયા હતા. બીજી તરફ મૃતકના પરિવારે સરકાર સમક્ષ આકરી માગણીઓ મૂકી તે ન સંતોષાય તો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં સરકાર તંત્ર દોડતું થઈ ગયું હતું. દલિત શખ્સના પોતાની જાતને જલાવી દેવાના બનાવે રાજ્યભરમાં ચર્ચા જગાવવા સાથે હાલમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોઈ સરકાર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવા સાથે અગમચેતી રૂપે એસટી બસના કેટલાક રૂટો બંધ કરી દેવા સહિતના પગલાં લેવામાં આવ્યા હતા. પ્રજાનો રોષ એટલી હદે વકર્યો હતો કે કડીના ધારાસભ્યોને ધક્કે ચડાવી ટપલી દાવ કરાયો હતો તો પાટણ કલેક્ટરના નિવાસસ્થાનનો ઘેરાવ કરવામાં આવતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું.
પાટણમાં દલિત સામાજિક કાર્યકર્તા ભાનુભાઈ વણકરના આત્મદાહના મામલે દલિત સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો છે. દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જેને પગલે સિદ્ધપુરમાં તેમજ ધાંગ્રધા-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરાયો છે.
ભાનુભાઈ વણકરની મોતના પડઘા રાજ્યભરમાં દેખાઈ રહ્યા છે. જેને પગલે દલિત સમાજના લોકોએ ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. લોકોએ પાટણ કલેક્ટર કચેરીમાં ભાનુભાઈએ કરેલા આત્મવિલોપનના મામલે હાઈવેને બાનમાં લીધું હતું. જેમાં પોલીસે ૫ જેટલા લોકોની ધરપકડ પણ કરી છે તો બીજી તરફ, સિદ્ધપુરમાં પણ દલિત સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ટોળાએ સિદ્ધપુરમાં ચક્કાજામ કર્યો હતો. ટાયરો સળગાવીને વિરોધ ક્રયો હતો. બીજી તરફ સુરતમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા છે. દલિત સમાજના લોકોએ આ ઘટનાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દલિત સમાજના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે.
જ્યારે પાટણ અને ઊંઝાના સ્થાનિક દલિત આગેવાનો દ્વારા ભાનુભાઇના મૃત્યુના મુદ્દે બંધનું એલાન આપવામાં આવતાં ઊંઝાથી પાટણ સુધીના ગામોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેમાં ઊંઝામાં જડબેસલાક બંધની સાથે એસટી બસના કાચ તોડવાની ઘટના પણ બની હતી. સાથે જ લોકોએ પાટણ હાઇવ પર ચક્કાજામ કર્યો હતો અને રેલવે ફાટકે આડશ મૂકી દીધી હતી. આ મામલે મહેસાણામાં સોમનાથ ચોકડી હાઈવે પર પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં પણ દલિત સમાજના આગેવાનોએ દેખાવ કરતાં પોલીસે તેમની અટકાયત કરી છે. ભાનુપ્રસાદ વણકરના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ એપોલોથી ગાંધીનગર સિવિલ લાવવામાં આવ્યો હતો. જેને લઈને સમાજના આગેવાનો ગાંધીનગર સિવિલ પહોંચ્યા હતા. બાદમાં દલિત આગેવાનોએ રેલી સ્વરૂપે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા અને મહિલાઓએ ત્યાં પણ ભાજપ સરકાર સામે છાજીયા બોલાવી રોષ વ્યક્ત કર્યો.
રાજ્યમાં ઠેર ઠેર દલીતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીમાં નટરાજ ફાટકે દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકારની અન્યાયકારી નીતી સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. જેથી જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી.