(એજન્સી) તા.૪
રેડિયો ટોકના માધ્યમથી રેડિયો જોકીએ દક્ષિણ કાશ્મીરમાં નવી પહેલ કરી છે. આ પહેલ અનુસાર આર.જે.એ કાશ્મીરી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને વિશ્વભરમાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. દિવસેને દિવસે જ્યારે ભાષા અને સંસ્કૃતિને જાણે નીચું બતાવવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિને જોતાં જ આર.જે.ના મગજમાં એ વિચાર આવ્યો કે કેમ નહીં રેડિયોના માધ્યમથી જ કાશ્મીરની ક્ષેત્રીય ભાષાને અને સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવામાં આવે. ૨૦ વર્ષીય રેડિયો જોકી ઉમર નિશારે આ પહેલ કરી હતી. તેણે દલીલ નામના કાર્યક્રમના માધ્યમથી આ પહેલ કરી છે. તેણે અવંતિપોરા કાશ્મીરના નૂરપૂરા વિસ્તારથી કાશ્મીરની સંસ્કૃતિ તથા તેની ભાષાને દુનિયાભરમાં પહોંચાડવા માટેની પહેલ કરી છે. ઉમર આ પહેલ અંગે કહે છે કે, અમે આ પહેલની શરૂઆત ફક્ત એટલા માટે જ કરી છે કે, જેથી કરીને અમે કાશ્મીરને, તેની સંસ્કૃતિને, તેના સાહિત્ય તથા તેની ભાષાને સારી એવી ઓળખ આપી શકીએ અને તેને વિશ્વ પટલ સુધી લઈ જઈ શકીએ. અમે દલીલ નામે આ કાર્યક્રમની શરૂઆત કરી છે જેમાં મારી સાથે નિલેશ મિશ્રા માઈક શેર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ શૉ સંપૂર્ણપણે કાશ્મીરની ભાષા તથા તેની સંસ્કૃતિ વિશે જ માહિતી આપે છે તે દેશના દરેક ભાગમાં તથા વિશ્વના દરેક ખૂણે ખૂણા સુધી તેના માધ્યમથી કાશ્મીરની ભાષા, તેના સાહિત્ય તથા તેની સંસ્કૃતિને પહોંચાડવા માંગે છે.