(એજન્સી) નવી દિલ્હી, તા.૨
આજે ખેડૂત આંદોલનનો ૩૮મો દિવસ છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે ખેડૂત પોતાની માગ માટે અડગ છે. સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પહેલા ખેડૂત અને સરકાર વચ્ચે સાતમા તબક્કાની વાતચીતમાં સમાધાન તો ન થયું પણ વિવાદના મુદ્દા પર સહમતિ થઈ ગઈ છે. તો આ તરફ કૃષિ કાયદાના વિરુદ્ધ ગાઝિયાબાદમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોના ધરણામાં સામેલ એક ખેડૂતે ફાંસી લગાવી લીધી છે.
કાયદા વિરુદ્ધ ખેડૂતોના ધરણા ઠંડીમાં પણ ચાલી રહ્યાં છે. ખેડૂત સરકાર સાથે વાતચીત પહેલા કડક વલણ દેખાડી રહ્યાં છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કૃષિ કાયદો પાછો લેવા કરતા કંઈ ઓછું મંજૂર નથી. કૃષિ કાયદો પાછો નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.
કૃષિ કાયદાના વિરુદ્ધ ગાઝિયાબાદમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોના ધરણામાં સામેલ એક ખેડૂતે ફાંસી લગાવી લીધી છે. કાશમીરસિંહ લાડી નામક ખેડૂતે ધરણાસ્થળ પર શૌચાલયમાં ફાંસી લગાવીને આપઘાત કર્યો છે. ઘટના સ્થળેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જે લાડી દ્વારા લખવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધી આ આંદોલનમાં ૨૫થી વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે.