વલસાડ, તા. ૨૭
ફરી એક વાર GIDCમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વલસાડનાં સરીગામમાં આવેલી GIDCમાં આગ લાગી છે. રબર બનાવતી કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી છે. ફણસામાં આવેલી દસમેશ રબર ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા ચારેબાજુ ભારે અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે સમયસર ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આ આગ પર કાબૂ મેળવવાનાં સંપૂર્ણ પ્રયાસ હાથ ધરાયાં છે. એકાએક આગ ફાટી નીકળતા આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હોવાંથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સાથે કંપનીમાં ઘણું બધું નુકસાન પણ થયું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ઉમરગામ તાલુકાનાં સરીગામમાં આવેલી GIDC માં આવેલી દસમેશ રબર ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં તો માત્ર કંપનીનાં એક ભાગમાં જ આગ પકડાઈ હતી પરંતુ બાદમાં આગ કંપનીની તમામ જગ્યા સુધી પ્રસરી જતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી દીધું હતું જેથી કંપનીને ખૂબ મોટી માત્રમાં નુકસાન થયું છે. કંપનીની અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આખી કંપની એકાએક આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ હતી. જો કે પરિસ્થિતિની ગંભીરતા જોતા વાપી સેલવાસ અને દમણની ફાયર બ્રિગેડની ટીમોને તત્કાલિક આગ બુઝાવવા બોલાવી લેવાઈ હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ પ્રથમ સરીગામની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો હાથ ધરાયાં. મોડી રાત્રે લાગેલી આગ પર કાબુ મેળવવા માટે રાત-દિવસ સુધી ૮થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ જહેમત ઉઠાવી હતી.