ભૂજ, તા.ર૪
કચ્છ અને ગુજરાતવાસીઓને દસ વર્ષ બાદ સૂર્યગ્રહણ જોવાનો મોકો ઉપલબ્ધ થયો છે. આવતી ર૬ ડિસેમ્બર ર૦૧૯ના રોજ થનારૂં કંકાણાકૃતિ સૂર્યગ્રહણ કચ્છ/ ગુજરાતમાંથી ખંડગ્રાસ સ્વરૂપે સવારે ૮ઃ૦૪થી ૧૦ઃ૪૬ વાગ્યા દરમ્યાન બે કલાક ૪ર મિનિટ સુધી જોઈ શકાશે.
આ ગ્રહણ મૂળ રીતે કંકણાકૃતિ પ્રકારનું સૂર્ય ગ્રહણ છે, આ ગ્રહણની શરૂઆત પૃથ્વી પર સઉદી અરેબિયાથી થશે ત્યાર બાદ ગ્રહણપથ ઓમાનથી અરબી સમુદ્ર વાટે ભારતના દક્ષિણી ક્ષેત્રમાંથી પસાર થઇ પ્રશાંત મહાસાગરમાં આ ગ્રહણનો અંત થશે. ભારતમાં કેરળના કુનુરથી તામિલનાડુના મોટાભાગના વિસ્તારમાં મહતમ કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે જયારે બાકીના ભારત અને ગુજરાતમાં તે દિવસે ખંડગ્રાસ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળશે.
સૂર્યગ્રહણ અંગે વિશેષ માહિતી આપતા સ્ટારગેઝીંગ ઇન્ડિયાના નિશાંત ગોરે જણાવ્યું હતું કે, સૂર્ય ગ્રહણ હંમેશા અમાસના દિવસે જ થાય છે, કારણ કે, માત્ર અમાસના દિવસે જ સૂર્ય અને ચંદ્ર એક જ રાશીમાં હોય છે અને તેમનું કોણીય અંતર શૂન્ય ડિગ્રી હોય છે. ચંદ્રનો પરિક્રમા પથ અને પૃથ્વીનો પરિક્રમા પથ એકબીજાને જ્યાં છેદે છે તે છેદન બિંદુ ઉપર સૂર્ય અને ચંદ્ર આવે છે ત્યારે આપણને સૂર્યગ્રહણ જોવા મળે છે. આ છેદન બિંદુઓને ભારતીય ખગોળમાં રાહુ અને કેતુના નામે ઓળખવામાં આવે છે.સૂર્ય એ ચંદ્ર કરતા લગભગ ૪૦૦ ગણો મોટો તો છે પરંતુ તેનાથી ૪૦૦ ગણો દૂર પણ છે. આ ગ્રહણ દરમ્યાન ચંદ્રની તકતી સૂર્યની તકતીને પૂરેપૂરી ઢાંકી શકતી નથી, જેથી સંપૂર્ણ ગ્રહણને બદલે સૂર્યની વચ્ચોવચ ચંદ્ર આવી જાય છે. તેની આસપાસ સૂર્યનું અગ્નિ વર્તુળ દેખાય છે. જેને અંગ્રેજીમાં રીંગ ઓફ ફાયરના નામે પણ ઓળખવામાં આવે છે. સૂર્ય બંગડી(કંકણ) આકારે દેખાતો હોવાથી તેને કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ કહેવાય છે. એમ
કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી અને સ્ટારગેઝીંગ ઇન્ડિયાના સહસંસ્થાપક નરેન્દ્ર ગોર જણાવે છે કે, આ પહેલા સૂર્યગ્રહણ ભારતમાંથી ૧૫ જાન્યુઆરી ૨૦૧૦ના જોવા મળેલું હતું. આ સૂર્યગ્રહણ બાદ ૨૧ જુન ૨૦૨૦ના ફરીથી સૂર્યગ્રહણ જોવા મળશે અને ત્યાર બાદ છેક ૨૦૩૪માં ભારતમાંથી સૂર્યગ્રહણ જોવા મળશે. સૂર્યગ્રહણને જોવામાં કેટલીક તકેદારીઓ રાખવી અત્યંત જરૂરી છે, સૂર્યની સામે નરી આખે જોવાથી આંખને કાયમી નુકશાન થઇ શકે છે, જેથી સૂર્યની સામે યોગ્ય સલામતી ફિલ્ટર વિના જોવું નહિ.