વાગરા/ભરૂચ, તા.૩
ભરૂચ જિલ્લાના દહેજ પંથકની સેઝ જમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીના બોઈલરમાં એકાએક બ્લાસ્ટ થતા આસપાસના ગામમાં ધ્રુજારીની સાથે ભારે અફરા તફરી મચી ગઈ હતી. વિકરાળ આગ ફાટી નીકળતા આજુબાજુની અનેક કંપનીઓને નુકસાન પહોંચ્યું હતું. ભયંકર આગ ઉપર કાબૂ મેળવવા ફાયર ફાઈટરો સહિત વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. અનેક કામદારો દાજી જતા વિવિધ હોસ્પિટલોમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભયંકર ધડાકા બાદ ફાટી નીકળેલ આગમાં ૮ લોકો મૃત્યુ પામ્યા હોવાની માહિતી સાંપડી છે. જ્યારે પ૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ભરૂચ જિલ્લાના દહેજ પંથકની જીઆઈડીસી અને સેઝમાં આવેલી કંપનીઓમાં આગ લાગવાની અનેક ઘટનાઓમાં સેંકડો નિર્દોષ કામદારો જીવ ગુમાવી રહ્યા છે. તેમ છતાંયે અનેક કંપનીના સંચાલકો સુરક્ષાના નામે બેજવાબદાર રીતે વર્તી રહ્યા છે.
એક તરફ કોરોના અને વાવાઝોડાને પગલે તંત્રની દોડધામમાં વધારો થયો છે. ત્યાં જ દહેજમાં સેઝ-૨માં આવેલ યશસ્વી રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતા આસપાસમાં આવેલ લુવારા અને લખી ગામ તેમજ નજીકની કંપનીઓમાં રીતસરની ધરા ધ્રુજી ઉઠતા ગામ લોકો અને કામદારોમાં ભારે નાસભાગની સાથે અફરા તફરી મચી જવા પામી હતી.
પ્રચંડ ધડાકો થતા લોકોમાં રીતસરનો ભય ફેલાઈ જવા પામ્યો હતો. આસપાસની કંપનીમાં પણ જોરદાર ધડાકાને પગલે પ૦ કરતા વધારે કર્મીઓને નાની મોટી ઇજાઓ થવા પામી હોવાની માહિતી સાંપડી છે. જ્યારે કેટલીય કંપનીઓની બારીઓના કાચ ફૂટી ગયા હતા. અચાનક લાગેલ આગ એટલી ભયંકર બની હતી કે આગને કાબૂમાં લેવા માટે પણ લાશકરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કંપનીમાં ૧૦૦થી વધુ કર્મચારીઓ કામ પર હાજર હોવાની આધારભૂત માહિતી સાંપડી છે. ઈજાગ્રસ્તોને ભરૂચ સહિત વિવિધ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ૦થી વધુ કામદારોને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. જ્યારે ૮ કર્મીઓ મોતને ભેટ્યા હતા. આગની ઘટના બાદ ચોક્કસ મૃત્યુ આંક કેટલો બહાર આવે છે તે જોવું રહ્યું. પરંતુ એક વાત ચોક્કસ છે આગ સમેટાયા બાદ મૃત્યુ આંક વધે તો નવાઈ નહીં. આગની ઘટનાને પગલે વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી જઇ બાજી સંભાળી લીધી હતી. મળતી માહિતી મુજબ પર જણા ગંભીર રીતે ઘાયલ થયા છે. જે સારવાર હેઠળ છેે. જેથી મૃતાંક વધુ તેવી શકયતા વર્તાઈ રહી છે. આજે લાગેલા ભીષણ આગ સાંજે ૬ વાગે કાબૂમાં આવી હતી. જો કે કંપનીનો પ્લાન્ટ બળીને ખાા થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને ભરૂચ અને વડોદરાની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે સલામતીના કારણોસર લખીગામ અને લુવારા ગામના રપ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ડીવાયએસપી વાઘેલા, પ્રાંત અધિકારી, મામલતદાર દહેજ મરીન પોલીસ દરેજ પોલીસ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના અંગેની જાણ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના મુદ્દે મીડિયાને માહિતી આપતા પ્રથમ બ્લાસ્ટની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કંપનીમાં બનેલ બ્લાસ્ટની ઘટના અંગે અમે જિલ્લા સમાહર્તા તેમજ જિલ્લા પોલીસ વડાને માહિતી પહોંચાડી રહ્યા છે. બ્લાસ્ટની ઘટનામાં કામદારો ઘાયલ થયા છે તેમની પણ મુલાકાત લીધી છે. હાલ કંપનીમાં ફાયર ફાયટરો આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપનીના વચ્ચોવચ આવેલ હાઈડ્રોજન ટેન્ક મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છે કે હાઈડ્રોજન ટેન્ક સુરક્ષિત રહે નહિતર હજુ ભયંકર ઘટના સર્જાવાની દહેશત છે. દહેજની કંપનીના બ્લાસ્ટ બાદ આગ કાબૂમાં નહીં આવતાં હાઈડ્રોજન ટેન્ક ફાટી જાય તેવી દહેશત વચ્ચે લુવારા ગામના ૨૫૦૦ લોકો તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે લખીગામ દહેજ કવિતા આજુબાજુના ત્રણથી ચાર ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. હાલ તો ૪૦ લોકોને ભરૂચથી બરોડા હાર્ટ કેર હિલિંગ ટચ હોસ્પિટલ ખ્તર્ઙ્મહ્વટ્ઠઙ્મ જેહજરૈહી ર્રજૈંટ્ઠઙ્મમાં દાખલ કરવામાં આવેલા કામદારોની સારવાર ચાલી રહી છે જેમાં એક કામદારનું ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ધડાકો એટલો ભયાનક હતો એટલો ભયાનક હતો કે ત્રણથી ચાર કિલોમીટરની ધરા એટલે કે ગામોની જમીનમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના ગામ લોકો પણ બચાવ કામગીરીમાં દોડ્યા હતા.

અહમદ પટેલે ભરૂચમાં વધતી દુર્ઘટનાઓે અંગે ચિંતા વ્યક્ત કરી

અમદાવાદ, તા. ૩
ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી યશસ્વી રસાયણ કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા આઠ લોકોનાં મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ ખયા હતા જે અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભા સાંસદ અહમદ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક કંપનીઓમાં અકસ્માતો વધી રહ્યા છે. આજે દહેજમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ફેક્ટરીઓમાં સેફ્ટી ઓડિટ પૂર્ણ કરાયું હોવાની રાજ્ય સરકાર દ્વારા ખાતરી કરવાનું બંધ કરાયું છે. અમને ચિંતા છે કે, સરકાર દ્વારા તાજેતરમાં લેબર કાયદામાં કરેલા ફેરફારને કારણે કામની સ્થિતિની અસુરક્ષામાં વધારો થશે.

સાવચેતીના ભાગરૂપે લુવારા અને લખીગામ ખાલી કરાવાયું

દહેજ સેઝ – ૨માં આવેલ યશસ્વી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા પંથકમાં ભયનું વાતાવરણ સર્જાવા પામ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ એ માટે તંત્ર હરકતમાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે કંપની નજીક આવેલ લુવારા અને લખીગામના હજારો લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. તમામ લોકોને અંભેટા, સુવા અને રહિયાદ ગામે ખસેડવામાં આવ્યા હતા.

કંપની સત્તાધીશોની માનવતા
મરી પરવારી…!!!

યશસ્વી કંપનીમાં ઘટેલ દુર્ઘટનાનો ભોગ બનેલ અને દાઝી ગયેલ કામદાર જીવ બચાવી કંપની ગેટ ઉપર બહાર નીકળી આવી સારવાર માટે રીતસરની આજીજી કરવા છતાંયે કોઇએ પણ તેની મદદ ન કરતા કંપની સંચાલકોની માનવતા ઉપર સવાલો ઉઠવા પામ્યા હતા. દાઝી ગયેલો કંપનીનો કામદાર જે જગ્યાએ ઊભો હતો તેની આસપાસ કંપનીના કેટલાક કર્મચારીઓ પણ હાજર હતા તેમ છતાં તેઓએ ભોગ બનનારની કોઈ મદદ ન કરતા પંથકમાં કંપની સત્તાધીશો વિરૂદ્ધ ભારે આક્રોશ છવાઈ જવા પામ્યો હતો. આ અંગેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.