વાગરા, તા.૨૨
ગતરોજ દહેજથી નીકળી ઘોઘા તરફ રવાના થયેલ વોયેજ સીમફની જહાજ ઘોઘા બંદર નજીક દરિયામાં ખોટકાયું હતું. જહાજના મશીનમાં હાઈ ટેમ્પરેચર એલાર્મ આવી જતા જહાજને દરિયામાં અટકાવી દેવાની ફરજ પડી હતી. શિપની યાંત્રિક ખામી દુરસ્ત ન થતા રોપેક્સ ફેરી સર્વિસના સંચાલકોએ ફેરી સેવાને અટકાવી દીધી હતી. તો બીજી તરફ રોપેક્સ ફેરીમાં સફર કરનાર મુસાફરોને તેમનું ભાડુ પરત આપવાનો નિર્ણય લેવાયો હતો. જ્યાં સુધી રોપેક્સ ફેરીની યાંત્રિક ખામી સંપૂર્ણ પણે દૂરસ્ત ન થાય ત્યાં સુધી હાલના તબક્કે સદર સેવાને અટકાવી દેવામાં આવી છે. જો કે, માત્ર મુસાફરોનું વહન કરતી રોરો ફેરી સેવાને રાબેતા મુજબ કાર્યરત રાખતા દહેજથી ઘોઘા જવા માંગતા મુસાફરોને આંશિક રાહત મળવા પામી છે. યાંત્રિક ખામીને દૂર કરવા ગુજરાત બહારથી ટેક્નિકલ ટીમને બોલાવવામાં આવી હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.ગતરોજ ૪૬૧ મુસાફરો સાથેનું જહાજ-ઘોઘા બંદરેથી ૩ નોટિકલ માઈલ દૂર દરિયામાં ખોટકાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જેમને માંડ- માંડ ઘોઘા બંદરે રવાના કરાતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.