(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
દેશની વિવિધ બેઠકો અને ફાયનાન્સ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની લોન મેળવી દેશમાંથી ફરાર થઈ જનાર નીતિન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ પોર્ટ લિ. કે જેને ભરૂચના દહેજ બંદરને વિકસાવવાની પરવાનગી આપવામાં આવી હતી તે સરકાર દ્વારા હવે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કંપનીને આપેલી તમામ પરવાનગી રદ કરી દેવા તંત્રને સ્પષ્ટ સૂચનાઓ પાઠવી ગેરરીતિ આચરનારા સામે લાલ આંખ કરતું પગલું લીધું છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ સ્ટર્લિંગ પોર્ટ લિ.ના બાકી રહેતા નાણાં વસૂલવા જરૂરી પગલાં તાત્કાલિક લેવા ગુજરાત મેરીટાઈમ બોર્ડને આદેશ કર્યો છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડે નીતિન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકને ડિસેમ્બર-ર૦૦૮માં દહેજ બંદરને ઓલ વેધર ડાયરેકટ બર્થિંગ પોર્ટ તરીકે વિકસાવવા માટે ચાર વર્ષની સમયમર્યાદા સાથે ઇરાદાપત્ર જાન્યુઆરી-ર૦૦૯માં આપ્યો હતો. તેની સાથે મેરીટાઇમ બોર્ડે દહેજ ખાતે ૮૪.૯પ હેકટર સરકારી જમીન ભાડાપટ્ટે જૂન-ર૦૧૦માં ફાળવી આ જમીન સમતલ કરવા અને ફેન્સિંગ કરવા મંજૂરી આપી હતી અને પોર્ટના બાંધકામ માટે માર્ચ-ર૦૧૧માં બોર્ડે મંજૂરી આપી હતી. સ્ટર્લિંગ બાયોટેક લિ. અને તેના કોન્સોર્ટિયમના સાથી સભ્યો દ્વારા દહેજ બંદરના વિકાસ માટે નવી કંપની સ્ટર્લિંગ પોર્ટ લિ.ની રચના કરવામાં આવી હતી. આ નવી કંપની અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ વચ્ચે જૂન-ર૦૧૪માં કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.
એગ્રીમેન્ટ અનુસાર પ્રથમ તબક્કા માટે કંપની આશરે રૂા.રપ૦૦ કરોડનું રોકાણ કરી દહેજ બંદરનો વિકાસ હાથ ધરશે અને તે માટે કુલ પ્રોજેકટ કિંમતના દોઢ ટકા લેખે બાંધકામની અને રૂા. પ.૦૦ કરોડ પરફોર્મન્સ ગેરંટી ગુજરાત મેરીટાઇમ બોર્ડને આપશે તેવો કરાર થયો હતો.
પરંતુ ઇરાદાપત્ર અને ત્યારબાદ કન્સેશન એગ્રીમેન્ટ થયા પછી પણ કંપનીએ બંદરના વિકાસ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરી ન હતી. એટલું જ નહીં મેરીટાઇમ બોર્ડને ભરવાપાત્ર રૂા.૩૭.પ૦ કરોડની બેંક ગેરંટી તેમજ ૮૪.૯પ હેકટર જમીનનું નિયત ભાડું ચૂકવી આપવામાં પણ સ્ટર્લિંગ પોર્ટ લિ. નિષ્ફળ પુરવાર થઇ હતી.
દરમ્યાન ગુજરાત મેરીટાઇમ બોર્ડની તાકીદે બોલાવાયેલી બોર્ડની બેઠકમાં રચાયેલી સમિતિએ આંધ્ર બેંકને પરવાનાધારક તરીકે નિયુકત કરવાની તથા સ્ટર્લિંગ પોર્ટ લિ. અને ગુજરાત સરકાર તથા મેરીટાઇમ બોર્ડ વચ્ચે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ રદ કરવા તેમજ તમામ ગેરંટીની રકમો જપ્ત કરવા કરેલી ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે.
રાજ્ય સરકારે સ્ટર્લિંગ પોર્ટ લિ.ને આપેલી ૮૪.૯પ હેકટર જમીનનો કબજો પરત લેવા આદેશ જારી કર્યો છે.