અમદાવાદ, તા.૯
છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો ઘરેલું હિંસાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે એમાં પણ દહેજની માગણીને લઈને અનેક ફરિયાદો થઈ રહી છે. ત્યારે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ દાખલ કરાવી છે કે, વર્ષ ૨૦૧૦માં તેના લગ્નના ત્રણ મહિના બાદ તેના પતિએ તેના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. આ બાબતની જાણ મહિલાએ તેના માતા-પિતા સિવાય કોઈને કરી ન હતી. મહિલાને તેના લગ્નજીવનમાં દીકરાનો જન્મ થયો હતો. ત્યારબાદ ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે મહિલાએ તેના પતિના મોબાઈલમાં વ્હોટ્‌સએપ મેસેજથી પતિનું અન્ય એક યુવતી સાથે અફેર હોવાનું જાણવા મળ્યું હતું જેથી ફરિયાદી મહિલાએ આ બાબતની જાણ એના સાસુ- સસરાને કરી હતી. તેને લઈને મહિલાના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે, તારા માતા-પિતાએ દહેજમાં કશું આપ્યું નથી. તારા માતા-પિતાને ત્યાંથી દહેજમાં રૂપિયા પાંચ લાખ લઈ આવ તો જ તને સારી રીતે રાખીશું, નહિંતર ઘરમાંથી કાઢી મૂકીશું. ત્યારબાદ ૮મી જુલાઈના દિવસે આ મહિલા તેની બહેન સાથે વાત કરી રહી હતી ત્યારે તેના સસરા અને પતિ ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે, તારે કોઈની સાથે સંબંધ રાખવાનો નહીં અને પિયર જવાનું નહીં, આમ કહીને સાસુ, સસરા અને પતિએ તેને માર મારીને તેને ઉપલા માળેથી નીચે ફેંકી દીધી હતી જેથી મહિલાને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાંથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.