(સંવાદદાતા દ્વારા) વાગરા,તા.૧૨
વાગરા તાલુકાનો દહેજ વિસ્તાર ઉદ્યોગોથી ધમધમતો થયો છે. પરંતુ આજે પણ ઉદ્યોગો આવવાથી સ્થાનિકોને કોઈજ ફાયદો થયો નથી. અંભેટા અને સુવા ગામના લેન્ડલૂઝર્સઓએ ઓપેલ કંપનીમાં જમીન ગુમાવી હોવા છતાં નોકરી નહીં મળતા ધરણા પર ઉતરવાની ફરજ પડી હતી.
વાગરા તાલુકામાં વિલાયત અને દહેજ પંથકમાં સરકારે ઉદ્યોગો સ્થાપીને ખ્યાતિ જરૂર મેળવી છે. પરંતુ મોટી સમસ્યા જમીન ગુમાવનાર ખેડૂતોની છે. જેમને કાયમી નોકરી અપાવવાની જવાબદારી જમીન સંપાદન કરનાર જી.આઈ.ડી.સી.ની છે. પરંતુ જી.આઈ.ડી.સી.ના અધિકારીઓને ધરતી પુત્રોને નોકરી અપાવવામાં કોઈજ રસ ન હોય તેવું જણાયું છે. તો સરકાર તરફથી પણ કોઈ નક્કર પગલા લેવાતા ન હોવાથી ખેડૂતોની સ્થિતિ કરો યા મરો ની થઈ જવા પામી છે.
સુવા અને અંભેટા ગામના ૨૫૦થી વધુ ખેડૂત ખાતેદારોની ૧૯૯૪માં જી.આઈ.ડી.સી. એ જમીન સંપાદન કરી હતી. તેમ છતાં આજદિન સુધી GIDC જમીન વિહોણા બનેલ ખેડૂતોને નોકરી અપાવી શકી નથી. ગુરૂવારે સવારથી સુવા અને અંભેટા ગામના આવા લોકો સપરિવાર ઓપેલ કંપની સામે ધરણા પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ કંપની અને જી.આઈ.ડી.સી. વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતા.
અત્રે નોંધનીય છે કે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે રહીયાદ ગામના લેન્ડલૂસઝર્સ GNFC ટીડીઆઈ પ્લાન્ટ સામે જંગે ચઢ્યા હતા. એવા ટાણે દહેજ લેન્ડલૂઝર્સ મામલે અલગથી પોલીસી બનાવવાની વાત કરી હતી. પણ એનો કોઈજ અમલ નથી. ગમે તેમ પણ હાલ તો નોકરી મુદ્દે ખેડૂતો અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસી ગયા છે.
ધરણા પ્રદર્શનમાં સુવા ગામના આગેવાન રમણભાઇ ગોહિલ, સુવા લેન્ડલૂઝર્સ એસોસિએશન પ્રમુખ દલસુખભાઈ ગોહિલ, સરપંચ કમુબેન ગોહિલ, પ્રદીપ ગોહિલ સહિત મોટી સંખ્યામાં જમીનવિહોણા ખેડૂતો જોડાયા હતા.