દાંડીયાત્રાની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ દ્વારા અગાઉ ગાંધી સંદેશ યાત્રા દાંડીયાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં રાષ્ટ્રીયનેતા રાહુલ ગાંધી સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેવાના હતા પરંતુ મધ્યપ્રદેશના રાજકીય સંકટને કારણે કોરોના વાયરસનું બહાનું આગળ ધરી આ યાત્રા મુલત્વી રાખવામાં આવી હતી. જો કે દાંડીયાત્રાના આ ઐતિહાસિક દિવસે આજરોજ યોજાયેલી દાંડીયાત્રા સાચે જ ઐતિહાસિક બની રહી હતી. જેમાં બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકર અને ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ એક સાથે ઉપસ્થિત રહી સાબરમતી આશ્રમમાં ગાંધીજી અને આંબેડકર બંનેના ભજન ગાયા હતા. હાલ જ્યારે દેશમાં ગાંધી વિચારધારાનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનના ચિથરે ચિથરાં ઉડી રહ્યા છે ત્યારે આ બંને મહાનુભાવોના પ્રપૌત્રોએ દાંડીયાત્રામાં એકસાથે જોડાઈ દેશના શાસકોને રૂકજાવનો સંદેશો આપ્યો છે કે જો આ દેશમાં ગાંધી વિચારોનું હનન થયું કે બાબા સાહેબ આંબેડકરે ઘડેલા બંધારણનું અપમાન થયું તો ગાંધીજીએ જેમ અંગ્રેજોને દેશ છોડી ભાગવા મજબૂર કર્યા તેમ અમારે પણ આ કદમ ઉઠાવવા પડશે.