(એજન્સી)
નવી દિલ્હી,તા.૧૮
૧૯૯૩માં સુરતમાં બે બોમ્બ વિસ્ફોટ મામલે ભારતમાં વાંટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સહાયક ટાઈગર હનીફના પ્રત્યાર્પણની ભારતની વિનંતીને યુકે સરકારે ફગાવી દીધી હોવાનું સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ આપી છે.
હનીફ, જેનું પૂરૂં નામ મોહમ્મદ હનીફ ઉમરજી પટેલ છે, તેને ગ્રેટર માન્ચેસ્ટરના બોલ્ટનમાં કરિયાણાની દુકાનમાં શોધી કાઢવામાં આવ્યો હતો અને સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૦માં પ્રત્યાર્પણના વોરંટના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
૫૭ વર્ષીય હનીફ બ્રિટનમાં રહેવા માટે અનેક કાનૂની વિકલ્પો ગુમાવ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે ભારતમાં તેની પર અત્યાચાર કરવામાં આવશે. ઇંગ્લેન્ડના ગૃહ મંત્રાલયના એક સુત્રે જણાવ્યું હતું કે, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે હનીફ પટેલ માટેની પ્રત્યાર્પણની વિનંતીને તત્કાલીન ગૃહ સચિવ દ્વારા નકારી કાઢવામાં આવી હતી અને પટેલને ઓગસ્ટ ૨૦૧૯ માં કોર્ટે મુક્તિ આપી હતી. હનીફના ભારતમાં પ્રત્યાર્પણ માટે સૌથી પહેલા જૂન ૨૦૧૨ માં તત્કાલીન ગૃહ સચિવ થેરેસા મે દ્વારા આદેશ અપાયું હતું. હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, આ ઘટનાઓને ઘણું સમય વીતી ગયું હોવાથી એવા કોઈ તથ્યો નથી કે અરજદાર હનીફ હવે પ્રશ્નાર્થિત ઘટનાઓને યાદ કરી શકશે અથવા ભારતની કોર્ટ પૂર્વ ગ્રહ વિના નિષ્પક્ષ ન્યાય આપી શકશે. ન્યાયાધીશે ચુકાદો આપી હનીફના પ્રત્યાર્પણને સ્પષ્ટ કરી દીધો હતો. ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિ હેઠળ, ભારત કેટેગેરી-૨નો દેશ છે, જેનો અર્થ છે કે ગૃહ સચિવની પ્રત્યાર્પણની વિનંતી પર અંતિમ આદેશ માનવામાં આવે છે. જે આ કિસ્સામાં ઠુકરાવવામાં આવ્યો હતો. તેવી જ રીતે, હાલમાં બંધ પડેલ કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા સામે છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં એમના પ્રત્યાર્પણની ભારત સરકારની વિનંતી, યુકેના ગૃહ સચિવ પ્રીતિ પટેલ પાસે ઔપચારિક પ્રમાણપત્ર માટે પડી છે, જ્યારે માલ્યા એ બધા કાયદાકીય વિકલ્પો ગુમાવ્યા છે.