(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૪
ભારતમાં વાંછિત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગે દુનિયાના ઘણા દેશોમાં પોતાનો પગ પેસારો કરી લીધો છે. અમેરિકી સંસદીય સમિતિની એક બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ડી-કંપનીએ ડ્રગ્સની તસ્કરી માટે દુનિયાના ઘણા દેશોમા પોતાની જાળ ફેલાવી દીધી છે. હવે તે શક્તિશાળાી ગુનાહિત -આતંકી સંગઠન બની ચૂક્યું છે.
અમેરિકી સાંસદની આંતકવાદ અને ગેરકાયદેસર નાણાકીય મુદ્દાઓ અંગે રચાયેલી ઉપસમિતિની બેઠકમાં જ્યોર્જ મેસન યુનિવર્સિટીના પ્રોફેસર લેઈસ શેલીએ કહ્યું, પાકિસ્તાનમાં રહેલ ડી-કંપની મેક્સિકોની ડ્રગ્સ ગેંગોની જેમ આ ધંધાઓમાં સંડોવાયેલી છે. આ હથિયારો અને નકલી ડી.વી.ડી.ની તસકરીથી લઈને હવાલા કારોબાર સુધી ફેલાયેલી છે.
ભારતીય અને અમેરિકી અધિકારી ઘણીવાર કહી ચૂક્યા છે કે દાઉદે પોતાનું ઠેકાણું પાકિસ્તાનના કરાચી શહેરમાં બનાવ્યું છે. જ્યાં તે પોતાની ગેંગ ચલાવે છે જ્યારે પાકિસ્તાન પોતાને ત્યાં દાઉદની હાજરી હોવાનો ઈન્કાર કરે છે. ભારતના સમર્થનમાં અમેરિકા પણ કહી ચૂક્યું છે કે પાકિસ્તાન દાઉદને શરણું આપી રહ્યું છે અને તે કરાચીમાં છે તેની પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે. દાઉદની વિરૂદ્ધ ભારતની ઝુંબેશની અસર વર્ષ ર૦૦૩માં તે સમયે જોવા મળી જ્યારે અમેરિકાએ અલ-કાયદા સાથે જોડાવા પર તેને વૈશ્વિક આતંકી જાહેર કરી દીધું હતું. સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદ વિરોધી પ્રસ્તાવ હેઠળ તેના પર ઘણા પ્રતિબંધ પણ મૂક્યા છે.