અમદાવાદ,તા.ર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાણાપીઠ ખાતે આવેલ ફાયર બ્રિગેડની જર્જરિત બિલ્ડીંગ ડિમોલેશન કરી નવી બાંધવાની હિલચાલ શરૂ કરવામાં આવતા આ બિલ્ડીંગ નીચે વર્ષોથી ધંધો કરતા રપ જેટલા દુકાનદારોએ આ બિલ્ડીંગ તોડી પાડી નવી બનાવવામાં આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા અને વહેલીતકે દુકાનો બનાવ્યા બાદ કબજો આપવાની બાંહેધરી આપવા માગણી કરી છે. દાણાપીઠ ફાયર બ્રિગેડ બિલ્ડીંગ નીચે રપ જેટલા ફ્રુટસ અને અનાજ, કરિયાણાના વેપારીઓ વર્ષોથી ધંધો કરી રહ્યા છે. આ વેપારીઓ જુના ભાડૂઆત છે અને મ્યુનિસિપલ ટેક્ષ બિલ પણ નિયમિત ભરતા આવ્યા છે. આ બિલ્ડીંગ ભયજનક હોવાથી મ્યુનિ. દ્વારા નવું ફાયર સ્ટેશન બિલ્ડીંગ બનાવના આ દુકાનોનો કબજો સોંપી દેવા નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ કોઈ બાંહેધરી આપવામાં આવી નથી. આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી શબ્બીર સૈયદે જણાવ્યું છે કે કાયદેસર ધંધો કરતા મ્યુનિ.ની નોટિસથી અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આ જ રોડની બંને તરફ ર૦૦થી વધુ પાથરણાવાળા ફુટપાથ અને રોડ પર ભાડૂ ટેક્ષ ચૂકવ્યા વિના બેરોકટોક ધંધો કરે છે. ત્યારે ટેક્ષ અને ભાડુ ભરી કાયદેસરનો ધંધો કરતા વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના દુકાનો ખાલી કરાવાશે તો વેપારીઓ લાંબા સમય સુધી ધંધા-રોજગાર વિના કફોડી હાલતમાં મુકાઈ જશે આથી દુકાનનો પુનઃ કબજો ન અપાય ત્યાં સુધી આ જ બિલ્ડીંગની સામે આવેલી સરકારી અને કોર્પોરેશનના ઈજનેર ખાતાની ઓફિસ છે તે જગ્યામાં હંગામી ધોરણે કાચા શેડ બાંધી ધંધો કરવા જગ્યા ફાળવવામાં આવે તેવી વેપારીઓની લાગણી અને માગણી છે.
દાણાપીઠ ફાયર બ્રિગેડ બિલ્ડીંગ તોડતા પહેલા વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપો

Recent Comments