(સંવાદદાતા દ્વારા)
અમરેલી તા.૧૮
અમરેલીના ચિતલ ગામે (જસવંત ગઢ)પ્લોટ વિસ્તારમાં રહેતા મુમતાજબેન રુસ્તમભાઇ પઠાણ એ અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમના ભાઈનો દીકરો વસીમ મહેબુબભાઇ મકવાણા તેની સાથે રહેતો હોઈ અને ગઇરાત્રીના તેમનો ભત્રીજો વસીમ અને તેનો મિત્ર લાલો મિસ્ત્રી બંને જણા નજીકમાં આવેલ અબાભાઈની કરિયાણાની દુકાને રાત્રીના અગિયારેક વાગ્યે ઓટલા ઉપર બંને મિત્રો વાતચીત કરી રહયા હતા એટલામાં ચિત્તલમાંજ રહેતો અનવર ઉર્ફે અનુ હનીફભાઇ બિલખિયા તેમજ ધવલ રમેશભાઈ બથવાર આવેલ હતા જેમાં અનવર પાસે પાઇપ હતો અને ધવલ પાસે લાકડી હતી અનવર ઉર્ફે અનુએ લોખંડના પાઇપ વતી કંઈપણ બોલ્યા વગર સીધોજ વસીમ ઉપર માથાના ભાગે બેથી ત્રણ ઘા મારેલ હતા જેથી વસીમ ઉભો થવા જતા અનવરે ઉપરા ઉપરી વસીમને માથાના ભાગે પાઇપ મારવા લાગતા લોહીલુહાણ હાલતમાં વસીમ ડચકા લેવા લાગેલ હતો, બનાવ અંગે પાડોશીઓએ વસીમનાં ફઈ મુમતજબેનને જાણ કરતા વસીમને સારવારમાં અમરેલી લઇ જતા ફરજ પરના તબીબીએ વસીમને તપાસી મૃત જાહેર કરેલ હતો બનાવ અંગે મુમતજબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, અનવર ઉર્ફે અનુ એક વર્ષ પહેલા દારૂમાં પકડતા કેસ થયેલ હતો જે બનાવ અંગે અન્વરને શંકા હતી કે તેને વસીમે પકડાવેલ હતો જેથી તેની ઉપર એક વર્ષથી દાજ રાખતો હતો.