અમદાવાદ,તા.૧૧
ગુજરાત સરકાર દ્વારા તા.૧લી એપ્રિલથી પરમીટના દારૂ પરની એક્સાઇઝ ડયુટી વધારી દેતાં આ ભાવવધારાની સીધી અને ગંભીર અસર પરમીટના દારૂના વેચાણ અને વ્યવસાય પર પડી છે. સરકારના ભાવ વધારાના કારણે પરમીટ શોપ્સમાં દારૂનું વેચાણ ૩૦થી ૩૫ ટકા જેટલું ઘટી ગયું છે. એટલું જ નહી, ઇમ્પોર્ટેડ દારૂના ભાવવધારાના કારણે કિંમત ડબલ થઇ જતાં તેનું કોઇ ખરીદદાર મળતું નથી કારણ કે, આસપાસના રાજ્યોમાં આ દારૂની કિંમત ઘણી સસ્તી છે. તો બીજીબાજુ લોકો મોંઘા ટેક્સ સાથે દારૂ ખરીદવાનું ટાળી રહ્યા હોવાથી સરકાર કરોડો રૂપિયાની ટેક્સ રેવન્યુ ગુમાવી રહી છે. પરમીટના દારૂ પરની આકરી એક્સાઇઝ ડયુટી ઝીંકાતા દારૂનું વેચાણ ઘટ્યું છે. સરકારના ભાવવધારાના નિર્ણયના મારથી ત્રસ્ત પરમિટ લિકર શોપના માલિકોનું કહેવું છે કે, ‘જેઓ હેલ્થના કારણે દારૂ પીવે છે તેમને આ ભાવ વધારાના કારણે રેગ્યુલર બ્રાન્ડને ચેન્જ કરવાની ફરજ પડી છે અને જે સસ્તી મળે તે લેવી પડે છે. ભારતીય બનાવટની ફોરેન લિકરના સિંગલ યુનિટના ભાવ વધીને રૂા.૫૫૦થી રૂા.૬૦૦ થઈ ગયા છે. જેના કારણે ખરીદનારને માસિક રૂા.૨૦૦૦થી ૨૫૦૦ જેટલો ખર્ચો વધુ આવે છે. આ વધારો તમે કઈ બ્રાન્ડની દારૂ લો છો તેના પર આધાર રાખે છે જેથી માસીક ખર્ચમાં રૂા.૧૦૦૦૦ સુધીનું આર્થિક ભારણ આવી શકે છે. સરકારના ભાવવધારાના કારણે તેમના વેપારમાં ૩૦થી ૩૫ ટકા જેટલો માતબર ઘટાડો નોંધાયો છે. હવે જે લોકો આવે છે તેઓ પણ મોંઘી અને સારી બ્રાન્ડની જગ્યાએ સસ્તી બ્રાન્ડની માગણી કરી રહ્યા છે.
બીજીબાજુ, પરમિટ શોપ માલિકોને તેમણે ઇમ્પોર્ટ કરેલી વિદેશી બ્રાન્ડની દારૂના જથ્થા અંગે પણ ચિંતા સતાવી રહી છે કેમ કે ઇમ્પોર્ટેડ દારુ પર એક્સાઇઝ વધવાના કારણે જે દારુની બોટલ પહેલા રૂા.૫૦૦૦માં આવતી હતી હવે તેના સીધા ડબલ ભાવ રૂા.૧૦૦૦૦ થઈ ગયા છે. જેના કારણે તેનો કોઈ લેવાલ મળતું નથી, કારણ કે, આસપાસના રાજ્યોમાં આ દારુની કિંમત ઘણી સસ્તી છે, તો લોકો પણ મોંઘા ટેક્સ સાથે દારુ ખરીદવાથી દૂર રહેતા હોવાથી સરકાર કરોડો રૂપિયાની ટેક્સ રેવન્યુ ગુમાવી રહી છે. આમ, એક્સાઇઝ ડયુટીનો વધારો દારૂના વેપાર અને વ્યવસાય પર બહુ મોટી અસર વર્તાવી રહ્યો છે.