અમરેલી, તા. ૧૩
ધારીમાં પંદર દિવસ પહેલા યુવાનનું ડેમ વિસ્તારમાં દારૂના નશામાં પાણીમાં પડી જવાથી મોત થયાનું જાહેર કર્યા બાદ ખુલવા પામ્યુ કે પાણીમાં પડી જવાથી નહીં પરંતુ પિતરાઈ ભાઈ સાથે અગાઉ દારૂ પી થયેલ માથાકૂટને લઇ પિતરાઈ ભાઈએ માથામાં છૂટો પથ્થરનો ઘા મારી નદીના પાણીમાં ઢસડી નદીમાં નાંખી દઈ હત્યા નિપજાવી બાદમાં તેને પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું જણાવી હત્યા પર પરદો નાખવાનું ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું હતું. બનાવ વખતે મૃતક યુવાનના બે સગીર વયના નાના ભાઈઓ પણ હતા જેથી તેમને પણ ધમકી આપી તેમને તેના ભાઈના ખૂન કરવા અંગે મદદગારી કરી હતી અને અંગે કોઈને ના કહેવા ધમકી આપેલ હતી પરંતુ છેવટે બંને સગીર વયના નાના ભાઈઓએ તેના પિતાને સાચી વાત જણાવતા હત્યાનો ભેદ ખુલ્યો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર ધારીના શિવનગરમાં વિસ્તારમાં ખોડિયાર ડેમ નજીકના રહેતા અને મજૂરી કામ કરતા માનસિંગભાઈ જલિયાભાઈ ચંદાના (ઉ.વ.૫૯)નો પુત્ર સુરેશ (ઉ.વ.૨૫)નું ગત તા.૨૦/૭/૨૦૧૮ના ડેમ વિસ્તારના પાણીમાં દારૂના નશામાં ડૂબી જવાથી મોત થયાનું ધારી પોલીસમાં તેના પિતાએ જાહેર કર્યા બાદ ગઈકાલે રવિવારે ધારી પોલીસમાં તેના પુત્રનું તેના ભત્રીજાએ ખૂન કર્યું હોવાની ફરિયાદ આપી હતી. આ સનસનીખેજ હત્યાની વિગતો એવી છે કે માનસિંગ ભાઈનો પુત્રો સુરેશ અને તેનાથી નાના ભાઈઓ કુંજન અને દાદુ તેમજ તેના પિતરાઈ ભાઈનો પુત્ર રાજુ નાનજીભાઈ ચંદાણાં (ઉ.વ.૩૫) સાથે દારૂ પીને અવારનવાર ઝઘડો કરેલ હોઈ ગત તા.૨૦ના રોજ રાજુ અને કુંજન તેમજ દાદુ ડેમ વિસ્તારમાં નદીએ હતા ત્યારે સુરેશ આવેલ અને રાજુ સાથે ગાળો બોલી ઝઘડો કરેલ જેથી રાજુએ છૂટો પથ્થરનો ઘા કરી સુરેશના માથામાં મારતા સુરેશ લોહી લુહાણ થયેલ અને બાદમાં તેને સુરેશના નાના બંને ભાઈઓ તેમજ રાજુએ નદીમાં ઢસડી હત્યા નિપજાવી નાખી હતી. સુરેશ અને તેના બંને સગીર વયના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂપ રહેવા જણાવેલ આરોપી રાજુએ પુરાવાનો નાશ કરી હત્યાને કુદરતી મોતમાં ખપાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પંદર દિવસ બાદ સુરેશના બંને સગીર વયના ભાઈઓએ તેના પિતાને સાચી હકીકત જણાવી દેતા પિતા માનસીંગભાઈએ ધારી પોલીસમાં રાજુ તેમજ તેના બે સગીર વયના પુત્રો સામે ફરિયાદ નોંધાવતા ધારી પીએસઆઈ ડી.કે ગોહિલએ આરોપી રાજુ નાનજીભાઈ ચંદાણાની ધરપકડ કરી હતી તેમજ સગીર વયના માલુમ પડેલ બને સગીરોને જુવેનાઇલ અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે.