(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.ર૩
બહુજન આદિવાસીની વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં યુવાધન દારૂની લતથી પાયમાલ થઈ રહ્યા છે. તો કેટલાક પરિવારો બરબાદ અને વેરવિખેર થઈ ગયા છે. ત્યારે હવે આદિવાસી આગેવાનો સફાળા સક્રિય થઈ ગયા છે. અને દારૂબંધીના અમલ માટે આગળ આવવાની પહેલ કરી છે.
દેવગઢ ગામે ગ્રામજનોએ એકત્ર થઈ દારૂબંધી અમલીકરણ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કુલ પ૧ સભ્યોની આ સમિતિ રચાઈ છે. અશોક એલ ચૌધરી પ્રમુખ જ્યારે રમેશ આર.ચૌધરી મંત્રી બન્યા છે. એચ.પી.ચૌધરી કન્વિનર બન્યા છે.બેઠકમાં સુલેહ શાંતિ જળવાઈ રહે છે. બેઠકમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે રીતે સખ્ત અમલ કરવા ચર્ચા કરાઈ હતી. ગામમાં દારૂના બંધાણીઓની યાદી તૈયાર કરવી, દારૂના અડ્ડાનો માલિકો, વેચનારાઓની યાદી બનાવી આ લોકોને દારૂનો વેચાણ થતાં અડ્ડાઓ બંધ કરવા સમિતિ જણાવશે તેમ છતાં દારૂનો વેચાણ બંધ નહીં થાય તો પોલીસને જાણ કરી કાનૂની કાર્યવાહી કરાશે. જરૂર જણાય તો અડ્ડાઓ નાશ કરવા ધંધાર્થી-વેચનારાઓને પકડવા માટે દરોડા સમિતિ (ટાસ્ક ફોર્સ)ની રચના ગ્રામનો કરશે. સાથે જ સમાજ સુધારણા સાથે, ધર્મ સુધારણા અને સમાજના અન્ય સુધારાઓ માટે હાઈપાવર સમિતિની રચના કરાશે. આ અંગેની જાણ સુરતના ડીએસપીને પણ કરવામાં આવી છે.