અમદાવાદ, તા.૬
લોકોમાં પોલીસની છબી સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ કેટલાક એવા પોલીસકર્મીઓ છે કે, જેણે પોલીસની છબી ન સુધારવાની જાણે કે હઠ પકડી હોય એવું લાગી રહ્યું છે. કેટલાક દિવસ પહેલાં એક એએસઆઈનો દારૂ પીતો વીડિયો વાયરલ થયો હતો તો બીજી તરફ રવિવારે મોડીરાત્રે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કંટોડિયા વાસમાં કંટ્રોલને મેસેજ મળતા જ પહોંચેલા પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સ્થાનિકો દ્વારા ઉતારવામાં આવેલા આ વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે દારૂ પીધેલી હાલતમાં સ્થળ પર આવીને લોકોને માર માર્યો છે. એટલું જ નહીં આ વીડિયોમાં પોલીસ હપ્તા લેવા માટે પણ અહીં આવતી હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં વર્ષોથી દારૂ વેચાઈ રહ્યો છે અને પોલીસ હપ્તા લેવા માટે પણ આવે છે. આજે પોલીસ કર્મચારીએ લોકોને માર્યા કેમ ? જો કે, આ વીડિયો બનાવી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ લોકોની માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે. જો કે, વીડિયો વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. અંતે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, જો પોલીસકર્મી જ આ પ્રકારે દારૂ પીને ફરજ પર હાજર રહેશે તો દારૂબંધીનો અમલ કેવી રીતે થશે.